સુરતઃ સુરતમાં કોલેજ ગર્લ પર રેપ થયાની ફરિયાદ બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે. યુવતીએ ભાનમાં આવી કહ્યું, તે બિલ્ડિંગ પરથી કૂદી આપઘાત કરવા ગઈ હતી. યુવતીએ કહ્યું, નવા કપડા ખરીદી ડુમસ ફરીને આપઘાત માટે ઉંદર મારવાની દવા પણ પીધી હતી, પરંતુ ઉલટી થઈ જતા તે ચાલતા ચાલતા 3 માળ ની ઇમારત પર પહોંચી હતી. જ્યાં યુવતીએ પોતે મોબાઈલ તોડી ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે યુવતી સાથે કોઈ દુષ્કર્મ થયું નથી. જે જાતે આપઘાત કરવા ગઈ હતી. પોલીસે મેડીકલના પ્રાથમિક રિપોર્ટના આધારે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધ્યો હતો. જે ગુન્હો થયો ન હોવાનું યુવતીએ પોતાના DDમાં જણાવ્યું છે.

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, મેં નક્કી કરી લીધું હતું કે મારે મરવાનું છે. મરતા પહેલા હું એન્જોય કરવા ઇચ્છતી હતી. મારી ઇચ્છા હતી કે હું ફ્રી લાઇફ જીવી શકું. આથી હું ઘરેથી સાત હજાર રૂપિયા લઈને નીકળી હતી. જેમાંથી પાંચ હજાર રૂપિયાની ખરીદી કરી હતી. નવા કપડા લીધા હતા અને બ્યુટીપાર્લરમાં જઈને તૈયાર પણ થઈ હતી. આ પછી તે ડુમ્મસ ફરવા ગઈ હતી. આ પછી સાંજે મેડિકલ સ્ટોરથી દવા લીધી હતી અને જે પીધી હતી, પરંતુ વોમિટ થઈ ગઈ હતી. આ પછી મરશે નહીં એવું લાગતાં તે બિલ્ડિંગ પરથી કૂદી ગઈ હતી. પોલીસને યુવતીએ આપેલા નિવેદન પ્રમાણેના ટેકનિકલ પુરાવા પણ મળ્યા છે.

યુવતી નેટવર્કિંગ બિઝનેસનું કામ કરવા ઇચ્છતી હતી,પરંતુ પરિવારમાંથી તેને વધુ અભ્યાસ માટે દબાણ કરવામાં આવતું હતું જે તેને પસંદ ન હતું. આથી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આપઘાત પહેલા તે જલસા કરી લેવા માંગતી હતી. સુરતના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, સવારે જ્યારે યુવતી ઘરેથી નીકળી હતી, ત્યારે આપઘાત કરવાનું નક્કી કરીને નીકળી હતી. તે તે દિવસે અલગ અલગ જગ્યાએ ગઈ હતી. તેણે સાંજના સમયે મેડિકલ સ્ટોરથી કોક્રોચ મારવાની દવા પણ લીધી હતી.