surat heavy rain waterlogging: સુરત શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર બેટિંગ કરી છે. એક તરફ, શહેરના પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના પ્રિ-મોનસૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી છે. શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને ગરનાળા (અંડરપાસ) માં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ, સુરત જિલ્લાના પલસાણા, માંડવી અને ઉમરપાડા સહિતના ગ્રામ્ય પંથકોમાં વાવણીલાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
શહેરમાં ઠેર-ઠેર જળબંબાકાર: મનપાની ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ
સુરત શહેરમાં ઉધના, પાંડેસરા, અઠવાગેટ અને ભટાર સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. તાપી નદીના કાંઠે આવેલા જહાંગીરપુરા, અડાજણ અને રાંદેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. આ સિવાય ડુમસ, નાનપુરા, વરાછા, કતારગામ અને સચિનમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
પરંતુ, આ વરસાદ સુરતીઓ માટે આફત બનીને આવ્યો હતો. નોકરી-ધંધે જતા લોકો, ફેક્ટરી અને ડાયમંડ યુનિટમાં જતા રત્નકલાકારો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પાણી ભરાવવાના કારણે રસ્તામાં જ અટવાઈ જવાનો વારો આવ્યો હતો.
મુખ્ય માર્ગોની હાલત: ઉધના વોટર વર્ક્સ અને શ્રીરામ નગર (પાંડેસરા-બમરોલી) પાસે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
લોકોમાં રોષ: દર વર્ષે પાલિકા પ્રિ-મોનસૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવાનો દાવો કરે છે, છતાં પહેલા જ વરસાદમાં ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ જતા સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક પાણીના નિકાલની માગ કરી છે.
ગરનાળા ડૂબ્યા, હાઈવે પર લાગ્યો ટ્રાફિક જામ
વરસાદને લીધે સુરત શહેરના ગરનાળા તો જાણે સ્વિમિંગ પૂલ બની ગયા હતા. ઉધનાથી ડિંડોલી અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું.
ડિંડોલી અને ભીમનગર રેલવે ગરનાળા તેમજ લિંબાયત ગરનાળામાં એટલું પાણી ભરાયું કે વાહનોના પૈડાં પૂરેપૂરા ડૂબી ગયા હતા.
ઉધના દરવાજા સામેના મેઈન રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા.
ઉધના બસ ડેપોથી સચિન હાઈવે તરફ જતા રોડનો એક આખો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ડિંડોલી બ્રિજ પર પણ ટ્રાફિક જામ થતા વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ
શહેરની હાલાકી વચ્ચે, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાહતના સમાચાર આવ્યા છે. વહેલી સવારથી કાળાડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદથી વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું હતું.
પલસાણા તાલુકો: તાતીથૈયા, જોલવા, કડોદરા, બગુમરા, હળધરૂ અને દસ્તાન સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
માંડવી અને ઉમરપાડા: માંડવીના અરેઠ અને ઉમરપાડા તાલુકાના અંબાડી, આમલી દાબડા, બલાલકુવા, ચકરા, ચવડા અને દરદા ગામમાં ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો છે.
આ સારા વરસાદના પગલે ખેતરો અને રોડ-રસ્તા પાણી-પાણી થઈ ગયા છે, જેને જોઈને વાવણીની તૈયારી કરતા ખેડૂતો ખુબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
