સુરતઃ શહેરના ઉન વિસ્તારમાં પિયર આવેલી પરિણીતાને પતિએ ટ્રીપલ તલાક આપી દેતા ખળભળાટ મચી ગયો છે. પતિએ બધાની સામે ચપટી વગાડીને તલાક, તલાક, તલાક કહી દીધું હતું. આ અંગે પરિણીતાએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના ઉન પાટિયા વિસ્તારની 27 વર્ષીય યુવતીના વર્ષ 204માં ઉમરવાડાના ન્યૂ ટેનામેન્ટમં રહેતા અને હોટલ ચલાવતા એઝાઝઅલી સૈયદ સાથે થયા હતા. લગ્ન સંબંધથી યુવતીને બે દીકરોએ છે. જોકે, પત્નીથી પુત્રનો જન્મ ન થતાં પતિ નારાજ રહેતો હતો. 


જેને કારણે પતિ પત્ની સાથે ગમે તે વાતે ઝઘડતો રહેતો હતો તેમજ એઝાઝ દારૂ પીને ઝઘડો કરતો હોય પત્ની કંટાળી ગઈ હતી. બીજી તરફ દેવાદાર બનેલો પતિ પત્નીને પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરતો હતો. આમ વારંવાર ઝઘડાથી કંટાળી પત્ની થોડા સમય પહેલા પિયર ઉન પાટિયા જતી રહી હતી. 


દરમિયાન ગત 15મી મેના રોજ એઝાઝ પોતાની સાસરીમાં આવ્યો હતો. તેમજ પરિવારના બીજા સભ્યોની હાજરીમાં પત્ની સામે ચપટી વગાડી તલાક, તલાક, તલાક કહી દીધું હતું. તેમજ તલાક આપી દીધા હોય પત્ની અને બે પુત્રીઓ સાથે કોઈ સંબંધ ન હોવાનું કહી ભાગી ગયો હતો. 


આમ, પતિએ ટ્રીપલ તલાક આપી દેતાં પરિણીતાએ ગત સોમવારે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને 2019માં બનેલા મુસ્લિમ મહિલા અધિનિયમ અંતગર્ત ફરિયાદ નોંધાવી હતી.