Surat Lake: સુરતમાં આજે સવારે એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં નહાવા પડેલી સાત વર્ષની બાળકીનું ડુબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના છઠ્ઠ પૂજા દરમિયાન ઘટી હતી, સ્થાનિકોએ અહીં છઠ્ઠ પૂજા અને ઉજવણી માટે અહીં કૃત્રિમ તળાવ બનાવ્યુ હતુ. પોલીસે આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 


આજે સવારે સુરતમાંથી એક સનસનીખેજ મોતનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં સ્થાનિકો દ્વારા છઠ્ઠ પૂજા માટે એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યુ હતુ, આ કૃત્રિમ તળાવમાં નહાવા પડેલી એક સાત વર્ષની બાળકીનું મોત થયુ હતુ. 


ઘટનાની વિગતો એવી છે કે, શહેરના ભેસ્તાનમાં આવેલા મારુતિ નગરમાં રહેતો પરિવાર અત્યારે શોકમાં ગરકાવ થઇ ગયો છે. છઠ્ઠ નિમિત્તે પૂજાપાઠ કરવા સ્થાનિકોએ નજીકમાં એક કૃત્રિમ તળાવ બનાવ્યુ હતુ, આ તળાવમાં સાત વર્ષની દીકરી નહાવા માટે ગઇ હતી. પરંતુ આ સાત વર્ષની બાળકીને તરતાં આવડતુ ન હતુ અને તે આ કૃત્રિમ તળાવમાં નહાવા ગઇ અને ઉંડાણમાં ઘૂસી ગઇ હતી, જોકે, તેની સાથે અન્ય બાળકો પણ હતા, જે ઉંડે ન ગયા હોવાથી બહાર નીકળી ગયા હતા. સાત વર્ષની બાળકીનું ઉંડાણમાં જતા રહેવાના કારણે ડુબી જવાથી મોત થયુ હતુ, આ ઘટના ઘટી ત્યારે બાળકીના માતા-પિતા ઘરે ન હતા પરંતુ તેની કાકીએ તેને મૃત હાલતમાં પડેલી જોઇ હતી.  


આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતા શું કહ્યું -
મૃતક બાળકીના પિતા જ્ઞાનેશ્વરે સાત વર્ષની બાળકીના મોતની ઘટના અંગે કહ્યું કે,  મારી બે ભત્રીજી અને દીકરી તળાવમાં નહાવા પડ્યા હતા, ભત્રીજી ડૂબી રહી હતી, તે સમયે તે આગળની તરફ હોવાથી બહાર આવી ગઈ હતી, પરંતુ મારી દીકરી તળાવમાં અંદર ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મારા હૃદયનો ટુકડો સમાન હતી મારી દીકરી. મારાથી કોઈ પાપ થયુ છે જેની મને સજા મળી રહી છે. ઘરે અમે હાજર ના હતા. અમારા મોટાભાઈની પત્ની ઘરે હતા, પરંતુ તેઓ સુતા હતા અથવા તો પછી કામમાં વ્યસ્ત હોવાથી, બાળકો તરફ ધ્યાન આપી શક્યા ના હતા, જેને કારણે આ ઘટના ઘટી છે.