સુરતઃ સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછામાં યુવતી સાથે  પતિના મિત્રે જ ઘરમાં ઘૂસી શારીરિક સુખ માણ્યો હોવાના આક્ષેપ સાથે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. અમરોલી પોલીસે યુવકની ધરપકડ કરી છે. બળાત્કારનો આરોપી મોટા વરાછાની આઈસીઆઈસીઆઈ બેન્કમાં નકલી સોનું મૂકી કરોડોની લોન લેવાના પ્રકરણમાં નકલી સોનું લાવવામાં સામેલ આરોપી છે. તેણે જે યુવતીને હવસનો શિકાર બનાવી એ યુવતી બીજા આરોપીની પત્નિ છે. આરોપીએ મહિલાને ‘પતિનો જેલવાસ વધુ લંબાવી દઇશ’ તેવી ધમકી આપી મહિલાની લાચારીનો ગેરલાભ ઉઠાવી શારીરિક સંબંધો બાંધ્યા હતા.


ગયા વરસે ઑક્ટોબર મહિનામાં ક્રાઇમ બ્રાન્ચે નકલી સોનું ગીરવે મૂકી છેતરપિંડી કરતી ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં મોટા વરાછા હરિદર્શન રેસિડેન્સીમાં રહેતા અને કારમેળો ચલાવતા દલસુખ ગોવિંદ સોજીત્રા અને વીકી ભરવાડે અમદાવાદના સોની પાસે નકલી સોનાના દાગીના બનાવડાવ્યા હતા. આ દાગીના મિત્રો અને પરિચિતોને આપી તેમની પાસે લોન લેવડાવી હતી. આ પ્રકરણમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા દલસુખના મિત્રે પણ લોન લીધી હોવાથી તે  પણ જેલભેગો થઈ ગયો હતો.

દલસુખ જામીન લઈને બહાર આવ્યો હતો તેના લાંબા સમય પછી આ યુવાન બહાર આવ્યો હતો અને કેટલાંક કામ માટે વતન ગયો હતો. યુવાન વતન હતો ત્યારે 10 અને 11 ઑક્ટોબરની રાત્રે દલસુખ યુવાનના ઘરે ગયો હતો. તેની સાથે વાત કરવાના બહાને ઘરે એકલી રહેલી મિત્રની 39 વર્ષીય પત્ની સાથે શારિરિક છૂટછાટ લેવા માંડી હતી. યુવતીએ પ્રતિકાર કરવાની કોશિશ કરતાં દલસુખે યુવતીના પતિનો જેલવાસ લંબાવી દેવાની ધમકી આપી તેની લાચારીનો લાભ ઉઠાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

યુવકને આ બાબતની જાણ થતાં તેણે પત્નિને સધિયારો આપતાં આ દંપતીએ બુધવારે અમરોલી પોલીસ મથકે દલસુખ સોજીત્રા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે દલસુખ સોજીત્રાની ધરપકડ કરી   છે.