ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત ધીરે ધીરે કરાઈ રહી છે. આ પૈકી સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક ઉમેદવારોની યાદી શુક્રવારે સાંજે જાહેર કરાઈ હતી. આ ઉમેદવારોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના ખાસ સાથી એવા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકર ધાર્મિક માલવિયાને ટિકિટ અપાઈ છે. હાર્દિક પટેલ પણ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો પ્રમુખ હતો અને તેમાંથી કોંગ્રેસમાં ગયો છે.


કોંગ્રેસે કરેલી જાહેરાત પ્રમાણે પાટીદાર અનામત આંદોલનના ચહેરા પૈકીનો એક ધાર્મિક માલવિયા કૉંગ્રેસની ટિકિટ પર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડશે. સુરતના વૉર્ડ નંબર ત્રણમાંથી પાસના કાર્યકર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે  ટિકિટ આપી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા વોર્ડ પાટીદારોનો ગઢ છે. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાની નજીક મનાતા ધાર્મિક માલવિયા સાથે ફોર્મ ભરવા માટે અલ્પેશ કથીરિયા પણ પહોંચ્યો હતો.