સુરતઃ શહેરના કતારગામમાં બનેવીએ સાળાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્ની સાથે છૂટાછેડા મુદ્દે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલો વિવાદ હત્યામાં ફેરવાયો છે. પ્રેમિકાને પામવાની લ્હાયમાં ટેક્સટાઇલ જોબર્કના વેપારીએ સાળાની હત્યા કરી નાંખી છે. કતારગામમાં આવેલ નંદનવન સોસાયટીમાં યુવકની હત્યા કરવામાં આવી છે. રાત્રીના સમયે ચપ્પુના ધા મારી હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 

17 વર્ષની દીકરીના પિતા એવા વેપારીને પોતાનાથી 15 વર્ષ નાની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા તેણે પત્નીને છૂટાછેડા માટે દબાણ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેને એક વર્ષથી પિયર પણ મોકલી દીધી હતી. 


મળતી વિગતો પ્રમાણે, મૃતક જયેશની બહેન પ્રીતિબેનના 20 વર્ષ પહેલા મહેશ મધુભાઈ જાંજમેરા સાથે લગ્ન થયા હતા. જોકે, મહેશને અન્ય યુવતી સાથે લગ્નેત્તર સંબંધ બંધાયા હતા. પ્રેમિકાને પામવા માટે પતિ પત્નીને છૂટાછેડા આપવા માંગતો હતો. અગાઉ પણ મહેશે તેની સાસરીમાં જઈને બબાલ કરી હતી અને છૂટાછેડા માટે માંગણી કરી હતી. 


મંગળવારે સાંજે મહેશ અને તેના પરિવારના સભ્યે પ્રીતિને મળવા માટે આવ્યા હતા અને છૂટાછેડા મુદ્દે બબાલ થઈ ગઈ હતી. આ બબાલમાં મહેશ અને તેના પરિવારના સભ્યોએ પ્રીતિ અને પરિવારની મહિલાઓને માર માર્યો હતો. સાંજે માર્કેટથી ઘરે આવેલા મૃતક જયેશ અને તેના નાના ભાઈને આ અંગે જાણ થતાં તેઓ પોતાના બનેવીને સમજાવવા માટે ગાય હતા. 


અહીં સોસાયટીની બહાર જ બંને ભાઈઓ પર છરીથી હુમલો કરી દીધો હતો. જેથી બંને ભાઇઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં જયેશભાઈને મૃત જાહેર કરાયા હતા. જ્યારે નાના ભાઈ નિતેશને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયેશભાઇ ટેકસટાઇલમાં જોબવર્ક સાથે સંકળાયેલા હતા. પ્રીતિબેનને બે સંતાન છે. પ્રેમિકાને પામવા મહેશે પત્નીને એક વર્ષ પહેલાં જ પિયરમાં છોડી દીધી હતી. તેમજ બાળકો પણ આપ્યા ન હતા.