Surat Mass Suicide Case Updates: સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે આજે શનિવારે સવારે એપાર્ટમેન્ટમાં માતા-પિતા તથા પત્ની અને તેમના ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા બાદ ફર્નીચરના ધંધો કરતા યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. બે પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં આપેલા પૈસા પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો છે પણ કોઇના નામો લખવામાં આવ્યા નથી. પોલીસે તપાસ માટે એસઆઇટીની રચના કરી છે.


અડાજણમાં પાલનપુર જકાતનાકા પાસે વિદ્યાકુંજ સ્કુલ નજીક આવેલા શ્રી સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા 37 વર્ષીય મનીષ ઉર્ફે શાંન્તીલાલ કનુભાઇ સોલંકીએ શનિવારે સવારે તેના કારીગરે ફોન કરતા રીર્સીવ નહી કરતા ઘરે આવ્યો હતો. ત્યારે તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી કારીગરે ઘણા સમય સુધી ખખડાવ્યો હતો. પણ અંદરથી જવાબ નહી આપતા કારીગર પાછળ સાઇડ કાચની બારી તોડીને અંદર ગયો હતો. ત્યાંરે ઘરમાં  હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા એટલે કે પરિવારના તમામ સભ્યો મૃતહાલતમાં પડેલા જોઇને ગભરાઇ ગયો હતો અને તેણે આજુ બાજુના લોકોને જાણ કરી હતી. જેથી કોઇએ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.


પોલીસે દરવાજો ખોલીને અંદર જતા હોલમાં મનીષના માતા શોભાબેન (ઉ-વ-68) તથા તેમના પિતા કનુભાઇ વિઠ્ઠલભાઇ સોલંકી (ઉ-વ-70) મૃત હાલતમાાં પડેલા હતા અને તેમની નજીકમાં મનીષ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા હેબતાઇ ગયા હતા. એટલુ નહી પણ બાજુના રૂમમાં તેમની પત્ની રીટા ઉર્ફે રેશ્મા (ઉ-વ-35), તેમની બે પુત્રીઓ અને એક પુત્ર મૃત હાલતમાં મળ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઇને પોલીસની સાથે - સાથે આસપાસના પડોશીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લુહાણા સુથાર જ્ઞાાતિ સમાજના એક જ પરિવારના સાત સભ્યોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી જવા પામી હતી.




આ મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં પરિવારની હત્યા કરીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરનાર ઘરના મોભી મનીષભાઈ સોલંકી ધાર્મિક જીવનને વધુ મહત્વ આપતા હતા. તેઓ રોજ વહેલી સવારે ભગવાનનું ધ્યાન પણ ઘરતા હતા. ઉપરાંત તમામ ધર્મને માનતા હતા. તેઓ કોઈ તાંત્રિક વિધિ કરતા હોય એવા આશ્રમમાં પણ જતા હતા.  ઘટના પહેલાં જ મનીષભાઈએ શુક્રવાર રાત્રિના નવ વાગ્યાના અરસામાં માતાની છબી આગળ દિવો મૂક્યો હોવાનો ફોટો વ્હોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો, બાદમાં મનીષભાઇએ ઘરના સભ્યોની હત્યા કરીને પોતે જીવન ટુંકાવ્યું હતું.

મનીષભાઇએ સુસાઈડ નોટમાં પણ તાંત્રિક શબ્દોનો ‘ભગવાન પરચો બતાવશે’’ તેવો ઉલ્લેખ પણ કર્યો છે. મનીષ ઘણા સમયથી તેના અંગત મિત્ર બ્રાહ્મણ વિપુલ નામના વ્યકતિ સાથે સંપર્કમાં આવ્યો હતો.
મનીષે અગાઉ પોતાના સોશિયલ મીડિયામાં અઘોરી બાવાના આશીર્વાદ લેતો હોવાનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. તેઓ તાંત્રિક વિદ્યામાં પણ વધુ માનતા હતા. બ્રાહ્મણ વિપુલ આવી પ્રવૃત્તિઓ કરાવતો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.  ભૂતકાળમાં પણ તાંત્રિક વિધિઓના ચક્કરમાં ઘણા લોકોના જીવ ગયા છે. પોલીસ દ્રારા આ બાબતે તપાસ કરવામાં આવે તો તાંત્રિક વિધિઓને લઈને ફરતી વાતોમાં સચોટ તારણ બહાર આવી શકે છે.