Surat: તાજેતરમાં જ રક્ષાબંધનનો તહેવાર ઉજવાઇ ગયો છે, સમગ્ર દેશ અને રાજ્યમાં લોકોએ ભાઇ-બહેનનો આ પવિત્ર તહેવાર ભારે ધામધૂમથી ઉજવ્યો છે. હવે આ રક્ષાબંધનના પર્વને લઇને એસટી વિભાગને માટે એક મોટા સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. અહીં એસટી વિભાગને અઠવાડિયાની આવકમાં જબરદસ્ત બમ્પર ઉછાળો નોધાયો છે.
મળતી માહિતી પ્રમાણે, રક્ષાબંધન પર્વ પર સુરત એસટી વિભાગે મોટી આવક થઇ છે. છેલ્લા સાત દિવસમાં સુરતમાં આ આંકડો જબરદસ્ત રીતે વધ્યો છે. છેલ્લા 7 દિવસના 8 લાખ લોકોએ એસટી બસની મુસાફરી કરી છે, અને આ દરમિયાન એસટી વિભાગને 4 કરોડની આવક થઇ છે. એસટી વિભાગની રેગ્યૂલર 400 બસ દોડે છે. ખાસ વાત છે કે, શ્રાવણ અને રક્ષાબંધનના પર્વને જોતા વધારાની બસો દોડાવવામાં આવી હતી. એસટી બસ ડિપાર્ટમેન્ટે આ વખતે તહેવારોમાં સૌથી વધારે બસો દાહોદ, અમરેલી, ભાવનગર તરફ દોડાવી હતી, ગઇ 26 થી 31 ઓગષ્ટ સુધી રોજની 600 બસો દોડાવવામાં આવી હતી, આ બસોમાંથી હવે તોતિંગ આવક નોંધાઇ છે.
એસટી બસના ભાડામાં ધરખમ વધારો -
સામાન્ય નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીના માર વચ્ચે પીસાતી સામાન્ય જનતા પર વધુ એક માર પડ્યો છે. રાજ્યમાં 10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે. નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 10 વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી શક્યતા છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ 2014 બાદ અલગ-અલગ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે.
આગામી દિવસોમાં બસમાં મુસાફરી કરો તો વધારે ટિકિટના પૈસા ચૂકવવાની તૈયારી રાખજો. નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.
ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં મુસાફર ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્યશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરુપે ભારતમાં પ્રથમ વખત BS6ના 2320 જેટલા નવીન વાહનો મુસાફરો જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
એસટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટ્સના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે, જ્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.
વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી.જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.