સુરતઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. બીજી લહેરમાં અનેક લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે સુરત જિલ્લામાં માંગરોળની કોરોના પોઝિટિવ સગર્ભા અધૂરા માસે બાળકને જન્મ આપી 4 કલાક બાદ મૃત્યુ પામી હતી. 28 વર્ષની કોરોના પોઝિટિવ રુચિ પંચાલને શ્વાસની તકલીફ હોવાથી સિઝેરિયન કરાયુ હતું. બાળકના જન્મ બાદ માતા મૃત્યુ પામી હતી.


પ્રસૂતા પોતાના બાળકનું મોઢું જોયા વગર જ મોતને ભેટતા હોસ્પિટલ સ્ટાફની આંખો ભીંજાઈ ગઈ હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી ફેફસાંમાં તકલીફ હોવાથી તબીબો તેને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. 


Rajkot : 3 સભ્યોના કોરોનામાં મોતથી પરિવારમાં માતમ, બાળકના જન્મ પછી માતાનું નિધન
  
રાજકોટઃ કોરોનાની બીજી લહેર સૌરાષ્ટ્રમાં ભારે ઘાતક સાબિત થઈ છે. કોરોનાએ અનેક પરિવારના મોભી છીનવી લીધા છે તેમજ અનેક પરિવારનો માળો વેરવિખેર કરી રહ્યો છે. ત્યારે રાજકોટના સરધાર નજીક ઉમરાળી ગામમાં આહિર પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના કોરોનામાં અવસાન થતા પરિવારમાં મામત છવાયો છે. 


દેવરાજભાઈ ભાનુભાઈ હેરભાની પ્રેગનન્ટ દીકરી શીતલબેનને કોરોના થયો હતો. શીતલબેન બાળકને જન્મ આપ્યાના ચાર દિવસ બાદ તેમનું અવસાન થયું હતું. જેને કારણે 4 દિવસનો દીકરો માતા વિહોણો બન્યો છે. પૌત્રીના અવસાનથી આઘાતમાં સરી પડેલા દાદા ભાનુભાઈ ગોવિંદભાઈ હેરભાનું પણ નિધન થયું હતું. બાદમાં ભાનુભાઇના નાના દીકરા ભરતનું પણ કોરોનામાં નિધન થયું હતું. 


આમ, એક  જ અઠવાડીયામાં દાદા-પૌત્રી અને પુત્ર ભરતનું કોરોનાના કારણે અવસાન થતા પરિવાર ભાંગી પડ્યો હતો. બીજી તરફ એક જ પરિવારમાં ત્રણ-ત્રણ લોકોના મોતથી ઉમરાળી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. 


ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો
ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. અહીં શનિવારે વસંતબેનનું નિધન થયું હતું અને જિતેન્દ્રભાઇનું રવિવારના નિધન થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.


કોરોના પિતા, પુત્ર અને પુત્રીને ભરખી ગયો
કાળમુખો અને કાતિલ બનેલો કોરોના અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે, જેને પગલે એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રનાં અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે. ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. આ દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.