SURAT : સુરતના ખટોદરા કોમલ સર્કલ પાસે પીપળાના ઝાડ પર એક યુવકનો મૃતદેહ લટકેલો મળી આવ્યો છે.  કોમલ સર્કલની બાજુમાં મહાકાળી માતાના મંદિરની ગલીમાં હરીશ મિલની પાછળ પીપળાના ઝાડ પર મૃતદેહ લટકતો મળી આવતા ચચાકર મચી જવા પામી છે. આ અજાણ્યા યુવકની ઉંમર આશરે 30 થી 35 વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  આ યુવકે આત્મહત્યા કરી છે કે પછી આ યુવકની હત્યા કરવામાં આવી છે તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. જો કે અગમ્ય કારણોસર આ યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખટોદરા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


સુરતમાં ટ્રાફિક પોલીસની માનવતા
સીમાડા ચાર રસ્તા પાસે ખેંચ આવતાં યુવકને ટ્રાફિક પોલીસ હોસ્પિટલ લઈ ગઈ અને યુવકનો જીવ બચાવ્યો હતો. ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તાત્કાલિક 108 બોલાવી યુવકને હોસ્પિટલે ખસેડ્યો હતો. એક તરફ ટ્રાફિક પોલીસ વિવાદ છે, તો બીજી તરફ કેટલાક એવા પણ ટ્રાફિક કર્મચારીઓ છે કે જેઓ પોતાની કામગીરીની સાથે માનવતા પણ દાખવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સરથાણામાં બન્યો છે. સીમાડા ચાર રસ્તા પાસે એક બાઇકચાલકને ખેંચ આવતાં તે નીચે પટકાયો હતો. ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.


સુરતના સરથાણામાં રિજિયન-1માં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સકતા નરસંગભાઇ તેમજ અન્ય સ્ટાફ કામગીરીમાં હતા ત્યારે સીમાડા ચાર રસ્તા પાસે રાકેશભાઇ ઠાકરભાઇ ડાકરા નામના વ્યક્તિને બાઇક ચલાવતાં સમયે ખેંચ આવી હતી અને તેઓ નીચે પડી ગયા હતા. ત્યારે ત્યાં હાજર ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તાત્કાલિક 108 બોલાવીને રાકેશભાઇને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.


સુરતમાં સફી શેખ પર થયેલા ફાયરીંગ મામલે થયો મોટો ખુલાસો
સુરત શહેરના વેડ રોડ પર સૂર્યા મરાઠી ગેંગના પન્ટર સફી શેખ પર ફાયરીંગ ઘટના બની હતી જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો હતો. હવે આ મામલે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે. ચિંતાજનક બાબત એ છેકે ઝડપાયેલ 4 આરોપીઓ પૈકી 3 આરોપી બાળ ગુનેગાર છે. જોકે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી બહાર છે. અંગત અદાવતમાં ફાયરિંગ કરાયાનું બહાર આવ્યું છે.