Latest Surat News:  સુરતના વરાછામાં ભેજાબાજ ભાઈઓ નકલી નોટરીની ઓફિસ ખોલી વકીલ અને તલાટીના સિક્કા પણ બનાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.૧૭ વર્ષના સગીર અને ૨૮ વર્ષના પિતરાઇ ભાઈ જાતે જ વકીલ તલાટી બન્યા હતા.બંને ભાઈઓએ ૧૧ મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ, મેરેજ સર્ટિફિકેટ ઈશ્યૂ બનાવી આપી દીધા છે.



સુરત ના વરાછા ઈશ્વર પેલેસમાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ હતી. અહીં ૧૭ વર્ષના સગીર અને ૨૮ વર્ષીય પિતરાઈએ મશીન મંગાવી જાતે જ વકીલના સ્ટેમ્પ, કરચેલીયા, બગુમરા અને સોનગઢના આમલકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા અને આમલકુંડી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. સુરતના અમરોલીના એડવોકેટ કમ નોટરી રાકેશ કે. પટેલને ધ્યાને આવ્યું હતું કે તેમના નામથી એક ભાડા કરાર ફરી રહ્યો છે. આ ભાડા કરાર ઉપર જે સિક્કો હતો તેનો કલર અલગ જણાઈ આવ્યો હતો. તપાસ કરતાં આ ભાડા કરાર નકલી હોવાનું અને વરાછા ઈશ્વર પેલેસમાં આવેલી ઓફિસમાંથી ઈશ્યૂ થયો હતો.





સ્ટેમ્પ પેપર ઉપર જે ટિકિટ અને સ્ટેમ્પ લગાવી ઈશ્યૂ કરાઈ હતી તેની નોંધણી ટ્રેઝરી ઓફિસમાં જ કરાઈ જ ન હોઈ મામલો ગંભીર બન્યો હતો. વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. ગાબાણી અને એચ.પી. પટેલે ટીમ બનાવી આ ઓફિસમાં રેઈડ કરી હતી.ઓફિસમાંથી પોલીસને એડવોકેટ રાકેશ પટેલના નામથી સંખ્યાબંધ રબર સ્ટેમ્પ અને સિક્કાઓ મળી આવ્યા હતા. તે ઉપરાંત કરચેલીયા, બગુમરા અને સોનગઢના આમલકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા અને આમલકુંડી ગામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. અહીંથી પોલીસને નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના નકલી ડોક્યુમેન્ટ મળ્યા હતા.આખું રેકેટ ચલાવતાં ૨૮ વર્ષીય આકાશ કિરીટ ઘેટીયા ની ધરપકડ કરી હતી. તેનો પિતરાઈ ૧૭ વર્ષીય સગીર પણ તેમાં ભાગીદાર અને બંને મળી આખું રેકેટ ચલાવતા હોઈ ડિટેઈન કરાયો હતો.

આરોપીઓએ યૂ-ટ્યૂબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી રબર સ્ટેમ્પ મશીન બનાવ્યું હતું. આરોપી આકાશ પહેલાં લોન કન્સલ્ટન્ટનું કામ કરતો હતો, જ્યારે સગીર તેના જ સંબંધી વકીલને ત્યાં નોકરી કરતો હતો. જેથી તેને નોટરી, એફિડેવિટ, ભાડા કરાર કઇ રીતે કરવા તેનું નોલેજ હતું. બંને પૈકી એક પણ વકીલ નહીં હોઇ રબર સ્ટેમ્પ બનાવવું અઘરું હોવાથી તેમણે નકલી રબર સ્ટેમ્પ બનાવવાનો વીડિયો યૂ- ટ્યૂબ ઉપર સતત જોઇ તે બનાવવાની રીત તથા ઓનલાઇન એમેઝોનથી તે બનાવવા માટેનું ૬૦ હજારની કિંમતનું સ્ટેમ્પ એક્સપોઝર મશીન મંગાવ્યું હતું. મેરેજ બ્યૂરો ઓફિસના તલાટી કમ મંત્રીના નકલી સર્ટિફિકેટ તેમણે પોતાના લેપટોપ ઉપર નકલી બનાવ્યા હતા. દર મહિને બંનેના ભાગે ૨૫થી ૩૦ હજાર રૂપિયા આવતા હતા. છેલ્લા ૧૧ મહિનામાં તેમણે લાખો રૂપિયા કમાવી હજારો નકલી નોટરાઇઝ દસ્તાવેજો ઇ શ્યૂ કર્યા હોઇ તેમની પાસેથી મળેલા રજિસ્ટરને આધારે તપાસ હાથ ધરી છે.