Surat : ગુજરાત સરકાર પીવાના પાણીના પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે. ‘નલ સે જલ યોજના’ થકી છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનું અવિરત કાર્ય થઇ રહ્યું છે, ત્યારે સરકારના આ ભગીરથ કાર્યને વધુ વેગ આપવા અને પાણીની અછતને પહોંચી વળવા તેમજ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરતના પાંચ યુવા સાહસિકો ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ શરૂ કરીને ભારતના સૌપ્રથમ સૂર્ય ઉર્જાની સંચાલિત યંત્ર નો આવિષ્કાર કર્યો છે.
પ્રતિદિન 2000 લિટર ખારું પાણી શુદ્ધ કરી શકાય
સુરત જિલ્લાના ઓલપાડમાં ખાસ ઉપકરણની મદદથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા નો પ્લાન્ટ ઉભો કર્યો છે. જેમાં પ્રતિ લિટર માત્ર 50 થી 55 પૈસા ખર્ચથી પ્રતિદિન 2000 લિટર દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી શકાય છે. એટલું જ નહિ, પ્રતિ લીટર 35 ગ્રામ સિંધવ લુણ (મીઠું) પણ મળે છે.
વર્ષ 2014થી પાંચ મિત્રો પ્રયત્નશીલ હતા
સુરતના આ પાંચ મિત્રોની ટીમ દ્વારા કોલેજકાળના એન્જિનિયરીંગના અભ્યાસ દરમિયાન જ પાણીને પીવાલાયક બનાવવા ‘સોલેન્સ એનર્જી’ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં સૌર ઉર્જાની મદદથી એવી ટેકનિકની શોધ કરી છે, જેમાં હાઈ ટીડીએસ સાથે દરિયાના પાણીને પીવાલાયક બનાવી શકાય છે.
વર્ષ 2014 થી તેઓ પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. તેમ છતાં હિંમત ન હારી ને પ્રયત્નો ચાલુ રાખ્યા. આખરે સફળતા હાથ લાગી. આજે ડિવાઈસ થી ખારા પાણી માંથી બનતું પાણી મિનરલ યુક્ત છે, તેમજ પાણીજન્ય રોગોમાં પણ રાહતરૂપ છે.
કેવી રીતે કામ કરે છે આ સોલાર ડિવાઈઝ?
આ સોલાર પાવર્ડ ડિવાઈસ કઈ રીતે કામ કરે છે એ બાબતે વાત કરીએ તો સૂર્યના કિરણોને યંત્રના વોકલ પર કેન્દ્રિત કરી કોન્સન્ટ્રેટર નામના ડિવાઈસમાં એટલે કે રીસીવરમાં ખારૂ પાણી લેવામાં આવે છે. તેમાં ખારા પાણીમાં રહેલા મીઠું અને અન્ય પાર્ટ્સ રીસીવરમાં રહી જાય છે, અને માત્ર સ્ટીમ આગળ વધે છે.
સ્ટીમને હિટ એક્સચેન્જર નામની ડિવાઈઝ પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે. ત્યારબાદ પ્રોસેસ થયેલું આ પાણી પીવા લાયક બને છે. આ પ્રોજેક્ટ છેવાડાના દરિયાકિનારાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવે તો ગામડાના લોકોને પીવાલાયક શુદ્ધ પાણી આસાનીથી મળી રહે તેમ છે.