Latest Surat News: ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા થોડા દિવસોથી સમયાંતરે ડ્રગ્સ મળી રહ્યું છે. પોલીસના સઘન પેટ્રોલિંગ અને ચાંપતી નજરના કારણે ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ દરમિયાન સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતું. ગુજરાત પોલીસની ડ્રગ્સની મુહિમને લઈ કોંગ્રેસનું નામ લીધા વગર તેમણે કહ્યું, એક રાજકીય પાર્ટી ડ્રગ્સ બાબતે રાજનીતિ કરી રહી છે. ડ્રગ્સએ રાજનીતિનો વિષય નથી. ડ્રગ્સ પોલીસ પકડી રહી છે. રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. રાજકિય પાર્ટી નિવેદન આપી આપી ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ બંધ કરવા માંગે છે


બે દિવસ પહેલા સુરતમાંથી પોલીસે ભજીયાની લારી પર વેચાતું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. લાલગેટ પોલીસે હોડી બંગલા વિસ્તારમાં ભજીયાની લારી પર રેઇડ કરીને 125.71 ગ્રામ એમડી ડ્રગ્સ, ભજીયાની લારીના માલિક, કાપડ બદાલ અને શ્રમજીવી મિત્રોની ધરપકડ કરી હતી.કામ બરાબર ચાલતું ન હોવાથી ડ્રગ્સના બંધાણી કાપડ દલાલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્રની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડયું હતું. તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર શોધી લાવતો હતો.ગ્રાહકો સાથે 'દવા' કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું.


લાલગેટ પોલીસને મળેલી બાતમીના આધારે લાલગેટ હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં આશાપુરી બિલ્ડીંગની સામે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેઈડ કરી હતી.પોલીસને લારીના માલિક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી, તેના બે મિત્રો કાપડ દલાલ મોહમદ જાફર મોહમદ સિદ્દીક ગોડીલ, સાડીના કારખાનામાં છૂટક મજૂરી કરતા રાસીદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી પાસેથી કુલ રૂ.12,57,100 ની મત્તાનું 125.71 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું;


પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત રૂ.75 હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન, નાનો ઇલેક્ટ્રીક વજનકાંટો, 85 નંગ પુશલોક બેગ મળી કુલ રૂ.13,32,200 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મોઈનુદ્દીન ભજીયાની લારી અને પાનનો ગલ્લો ચલાવે છે.મોહમદ જાફર ગોડીલ અને રાસીદ જમાલ ઉર્ફે બનારસી અંસારી ત્યાં બેસવા આવતા હોય ત્રણેય વચ્ચે મિત્રતા છે.તે પૈકી મોહમદ જાફર ગોડીલ અને રાસીદ જમાલ ઉર્ફે બનારસી બંને ડ્રગ્સના બંધાણી છે. કાપડ દલાલ મોહમદ જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એક મહિનાથી તે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવતો હતો અને ત્રણેય મોઈનુદ્દીનની ભજીયાની લારી ઉપર ભેગા થઈ ડ્રગ્સનું વેચાણ કરતા હતા.