Surat News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન પાંડેસરામાં ચોરીના વહેમમાં 3 ભાઈએ યુવકને ફટકા મારી પતાવી દીધો હતો. પાંડેસરા પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી હતી.
શું છે મામલો
પાંડેસરમાં ઘરમાંથી સામાનની ચોરીના વહેમમાં 3 ભાઈઓએ એક યુવકને પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેયને દબોચી લીધા હતા. પાંડેસરા તેરે નામ રોડ પર દિપકનગરમાં રહેતા ગોમતીદેવીના 3 પુત્રએ હત્યા કરી હતી. ઘરમાંથી સામાન ચોરી કરવા બાબતે મૃતકને રૂમમાં લાવી પૂછપરછ કરતા હતા. તેના પર ચોરીનો આરોપ લગાડી ત્રણેય જણાએ પ્લાસ્ટીકના પાઇપ અને ઢીકમુક્કીનો માર માર્યો હતો. ગંભીર ઈજાઓ થતા અરવિંદ નિશાદનું ઘટનાસ્થળે મોત થયું હતું.
અરવિંદ સુરતમાં 20 વર્ષથી રહેતો અને પથ્થર પોલીશનું કામ કરતો હતો. તેને સંતાનમાં એક દીકરી અને દીકરો છે. બન્ને સંતાનો પત્ની સાથે વતનમાં રહે છે.
પાંડેસરામાં તેરેના રોડ પર આવેલા દીપરનગરના પ્લોટ નંબર 8282ના બીજા માળે આવેલા રૂમ નંબર 1માં રહેતો અરવિંદ ઉર્ફે રઘુ પ્રહલાદ નિષાદ (ઉ.વ.40) પથ્થર પોલીશનું કામ કરીને ગુજાન ચલાવે છે. દીપકનગરમાં જ રહેતા ઈન્દ્રરાજ ઉર્ફે ડાંગી, તેના ભાઈ ઈન્દ્રભાન ઉર્ફે ભોલા અને અંકિતે ભેગા મળીને અરવિંદ ઉર્ફે રઘુ પર સામાનની ચોરી કર્યો હોવાનો આક્ષેપ મુકીને રૂમમાં ગોંધીને પ્લાસ્ટિકના પાઈપ અને ઘુસ્તા માર્યા હતા. જેમાં અરવિંદ ઉર્ફે રઘુનું મોત થયું હતું.
પાંડેસરામાં કુટુંબી સાળાએ બનેવીની હત્યા કરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં માત્ર 2800 રૂપિયા જેવી નજીવી રકમમાં કુંટુબી સાળાએ બનેવીની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મુળ યુપીના હરિકાપુરવા ગામના રહેવાસી અને હાલમાં પાંડેસરા વિસ્તારના મારુતિ નગર સોસાયટીમાં રહેતા અને પીઓપીનું કામ કરતા 35 વર્ષીય રામુ રામકુમાર વર્માની હત્યાથી સનસનાટી મચી છે. રામુ વર્માની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ કૌટુંબિક સાળાઓએ કરી હતી. મૃતક રામુ વર્માની પત્ની રાધાદેવીની ફરિયાદના આધારે પોલીસે આ મામલે ઉત્તરપ્રદેશના બંસીરામ ગુરુ પ્રસાદ વર્મા અને 25 વર્ષીય શક્તિલાલ તિલકરામ વર્માની ધરપરકડ કરી છે.
03 જાન્યુઆરી 2024ના રોજ બંસીલાલ અને રામુ વર્મા તેમના સંબંધી શક્તિલાલ વર્મા પાસે મજુરીના બાકી નીકળતા 2800 રૂપિયાની માંગણી કરતા હતાં. આ માંગણી અર્થે તેઓ અડાજણ ગયાં હતાં, જોકે, શક્તિલાલ વર્મા પાસેથી રૂપિયા ન મળતા બંસીલાલ અને રામુ, શક્તિલાલનો મોબાઈલ ઝૂંટવી લાવ્યા હતાં. ત્યારબાદ મોબાઈલ પરત લેવા માટે શક્તિલાલ વર્મા પોતાના અન્ય સાગરિત અનંતરામ વર્મા ઉર્ફએ બહેરા ત્રિભુવન સાથે પાંડેસરા સ્થિત રામુ રામકુમાર વર્માની ઘરે આવ્યા હતાં. મોબાઈલ પરત આપવાની માંગણી કરી હતી. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાટમાં શક્તિલાલ વર્મા અને તેના સાગરિત અનંતરામ વર્માએ પથ્થરથી રામુ પર માથાના ભાગે હુમલો કર્યો જેમાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.