Surat News: ગુજરાતમાં રખડતા ઢોર બાદ શ્વાનનો આતંક દિવસેને દિવસે કાબૂ બહાર જઈ રહ્યો છે. છતાં સરકારને આ આતંક દેખાતો નથી. ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ધરખમ વધારો થયો છે. સુરતમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં બે વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક પર શ્વાને અચાનક હુમલો કરીને માથું કરડી લીધું હતું.બાળકને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવામાં આવ્યો હતો. બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 7 ટાંકા આવ્યા હતા. હુમલામાં બાળકની આંખ પર પણ ઇજા થઈ હતી. જોકે આંખ બચી ગઈ હતી.


શ્વાન કરડવામાં ગુજરાત દેશમાં 5માં નંબર પર છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.શ્વાન કરડ્યા બાદ તેની યોગ્ય સારવાર કરાવી પણ અત્યંત જરૂરી છે. ગુજરાતમાં ત્રણ વર્ષમાં 12 લાખ 55 હજારથી વધુ લોકોને શ્વાન કરડ્યા હોવાના બનવા સામે આવ્યા છે. માર્ચ-2023 સુધીના ત્રણ વર્ષમાં 12 લાખ 55 હજાર 77 લોકોને રસ્તે રખડતાં શ્વાને બચકાં ભર્યા છે. જેમાં 8 લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબના છે. એક તારણ એવું પણ છે કે, કોરોના બાદ ન માત્ર શ્વાન પરંતુ ઊંટ, બિલાડી, જંગલી પશુઓ કરડવાના કેસમાં 135 ટકા ઉછાળો આવ્યો છે.




રાજકોટમાં એક જ દિવસમાં 16 લોકોને શ્વાને ભર્યા હતા બચકા


 તાજેતરમાં રાજકોટમાં પણ એક દિવસમાં 16 લોકોને બચકા ભરી લેતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દવા આપવામાં આવી હતી. જેમાંથી ત્રણ બાળકો, સાત પુરુષ અને 6 મહિલાઓને ઇજા થઇ હતી.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો તેમ એક જ દિવસમાં 16 લોકોને બચકા ભરી લીધાનું સિવિલ હોસ્પિટલમાં નોંધાયું હતું. સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 16 દર્દીઓએ શ્વાન કરડવાની દવા લેવા આવ્યા હતા.