Tapi And Ukai Dam News: ચાલુ સિઝનમાં ચોમાસામાં મેઘરાજાએ જોરદાર કેર વર્તાવ્યો છે, મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભારે તબાહી મચાવી દીધી છે. જોકે, આ હવે ચોમાસાની વિદાય નજીક છે, ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ખાસ વાત છે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદ અને પાણીની આવકથી ઉકાઇ ડેમ સંપૂર્ણ ભરાયો છે. 




તાપી નદી પરનો ઉકાઇ ડેમ અત્યારે સંપૂર્ણ ફૂલ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઈ ડેમ આજે સંપૂર્ણ ભરાઈ ગયો હોવાની તસવીરો સામે આવી છે. ઉકાઈ ડેમ આજે આ સિઝનમાં પોતાની મહત્તમ સપાટીએ પહોંચ્યો અને સંપૂર્ણ ભરાઇ ગયો છે. ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટ પર પહોંચી છે.




ખાસ વાત છે કે, મધ્ય પ્રદેશ અને અન્ય વિસ્તારોમાં પડી રહેલા વરસાદથી પાણીમાં સતત વધારો થઇ રહ્યો છે, ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી અત્યારે 5927 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. ઉકાઈ ડેમમાંથી હાલ 5927 ક્યૂસેક પાણી ડેમની કેનાલ અને હાઇડ્રૉ પાવર સ્ટેશનમાંથી છોડાઈ રહ્યું છે. એક અંદાજ મુજબ આગામી બે વર્ષ માટે દક્ષિણ ગુજરાતના લોકોના માથેથી પીવાના પાણીનું સંકટ ટળ્યું છે. 






 


ચોમાસાની વિદાય નજીક, રાજ્યમાં 100 ટકા વરસાદ, 71 ડેમો છલકાયા


દેશભરમાં ચોમાસાની સિઝન હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, રાજ્યમાં પણ હવે ચોમાસાનું વિદાયની નજીક છે, તાજા હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં લગભગ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, અને શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે. આ પહેલા ચોમાસાની આ સિઝનમાં રાજ્યમા શું છે સ્થિતિ જાણો.... 


હાલમાં મળી રહેલા નવા અપડેટ પ્રમાણે, રાજ્યમાંથી ચોમાસું હવે આગામી ત્રણ-ચાર દિવસોમાં વિદાય લઇ લેશે, આ વખતે અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર વરસાદી માહોલના કારણે કેટલીય જગ્યાએ નદી-નાળા, ડેમો અને તળાવો છલકાયા છે. રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાતી વધુ વરસાદ પડ્યો છે, જેમાં 128 તાલુકામાં 100% વરસાદ પડ્યો અને 4 તાલુકા એવા છે જ્યાં 60%થી ઓછો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં વરસાદી પાણીએ પણ કેર વર્તાવ્યો છે, ક્યાંક પુર તો ક્યાંક ડેમો છલોછલ જોવા મળ્યો છે. આ વખતે નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ 95% ટકા ભરાઇ ગયો છે, એટલુ જ નહીં આ સિઝનના વરસાદથી રાજ્યમાં 71 ડેમો છલોછલ થઇ ગયા છે. આ સિઝનમાં 35 ઇંચ વરસાદ પડવાનો અંદાજ હતો, જેની સામે આ વખતે પોણા 37 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે સિઝનનો સૌથી સારો વરસાદ ગણી શકાય.