Surat News: સુરત એસઓજી પોલીસ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી હતી. સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના પર તવાઈ બોલાવવામાં આવી હતી. સુરતના પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી 17 કરતાં વધુ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હત. કમ્પાઉન્ડર અને અલગ અલગ નકલી ડીગ્રીઓ સાથે આ તમામ લોકો પ્રેક્ટિસ કરતા હતા. 17 તબીબીને ત્યાંથી અલગ અલગ દવાઓ સાથે ઇન્જેક્શન અને મેડિકલના સામાન પણ મળી આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાંથી 9 જ્યારે ડીંડોલી વિસ્તારમાંથી 8 જેટલા બોગસ બીબો ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.



SOG દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી છે. શહેરના સલ્મ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે. શહેરના રોગચાળાની સ્થિતિમાં આવા બોગસ ડોકટરો સામે SOGએ લાલ આંખ કરી છે. SOG દ્વારા આરોગ્ય ટીમને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.


મંગળવારે રાજકોટના ફાડદંગ ગામે SOGએ દરોડો પાડીને બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો. આઠમું ધોરણ પાસ આ ઈસમ કમ્પાઉન્ડરના અનુભવના આધારે છેલ્લા 7 વર્ષથી સારવાર કરી બીમાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. હાલ તો SOGની ટીમે તબીબ પાસેથી મેડિકલ પ્રેક્ટિસની દવાઓ અને સાધનો સહિત રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના ફાળદંગ ગામે એક શખ્સ છેલ્લા ઘણાં વખતથી નકલી ડૉક્ટર બનીને ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામના લોકોને દવા આપીને સારવાર કરતો હતો. આ બાતમીના આધારે SOG PI જે.એમ.કૈલા અને તેમની ટીમે ફાળદંગ ગામે વલ્લભભાઈ રામાણીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી હર્ષદ ઉર્ફે કાના ચોટલીયા 34ની ધરપકડ કરી હતી. હર્ષદ પાસે મેડિકલની કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટીફિકેટ ના હોવા છતાં તે ડૉક્ટર બની બેઠો હતો. જેની પાસે ફાળદંગ ઉપરાંત આસપાસના અન્ય ગામના બીમાર લોકો સારવાર લેવા પણ જતા હતા.


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, હર્ષદ ચોટલીયા માત્ર 8 ધોરણ પાસ છે અને કમ્પાઉન્ડ તરીકેનો અનુભવ હોવાથી તેને દવાઓ અંગેની પ્રાથમિક જાણકારી હતી. જેના આધારે તે છેલ્લા સાતેક વર્ષથી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. SOGએ મકાનમાંથી દવાઓનો જથ્થો અને મેડિકલના સાધનો સહિત 10 હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.