Surat Rains: સુરત શહેર અને જિલ્લામાં પડી ભારે  વરસાદના કારણે સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો છે. સુરતમાંથી પસાર થતી બે ખાડી ડેન્જર લેવલ પર આવી ગઈ છે તેના સાથે શહેરમાં પણ ભારે વરસાદ પડતો હોવાથી ખાડીના ગંદા પાણી અને વરસાદી પાણી લિંબાયત વિસ્તારમાં અનેક લોકોના ઘરમાં ઘૂસી ગયાં છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે. સુરતના સરથાણા વિસ્તારમાં પાણી ભરતા અલગ અલગ 16 સોસાયટીના રસ્તા બંધ કરવામાં આવ્યા છે.


સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાડીપુરના પાણી ફરીવળ્યા


સુરતના સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાતે ખાડીપુરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.  ભારે પાણી ભરાવાના કારણે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સરથાણા ખાતે આવેલી આદર્શ હોસ્ટેલમાં સુરત ફાયર વિભાગનું રેસ્ક્યુ કર્યુ હતું. 45 જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. હોસ્ટેલ ના પાંચ ફૂટ થી વધુ પાણી ભરાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરી હતી. સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ બોટની મદદ લેવામાં આવી હતી.


કુંભારિયા પ્રાથમિક શાળામાં ઘૂસ્યા પાણી


સુરત પાલિકાના પૂણા કુંભારિયા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને તેમાં આજે ભરાયેલા પાણીની સપાટીમાં વધારો થતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. આજે સવારે વરસાદી પાણી સીધા કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા હતા. પ્રાથમિક શાળા તથા આસપાસના વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. જોકે, સ્થિતિના આધારે પાલિકાએ આ શાળામાં ગઈકાલથી રજા જાહેર કરી હોવાથી વિદ્યાર્થીઓ ન હોવાથી વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ છે.




હવામાન વિભાગની આગાહીને લઈ સુરતમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉપરવાસમાં વરસાદનું પાણી કિમ નદીમાં આવતા બે કાંઠે થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. કિમ નદીની હાલની સપાટી 9.20 મીટર પર પહોંચી છે, જ્યારે ભયજનક સપાટી 11 મીટર છે. નદી કિનારે વસેલા ઉમરાછી,બોલાવ,કઠોડરા સહિતના 8 ગામની ઓલપાડ મામલતદાર અને NDRF ની ટીમે મુલાકાત લીધી હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પરિસ્થિતિ વાકેફ કરવામાં આવ્યા હતા.


24-25 જુલાઈના દિવસની આગાહી


રાજ્યમાં આગામી બે દિવત રાજ્યમાં અતિભારે આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત,  તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌષ્ટ્રાના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે.