સુરત શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં છ ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. સુરત શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરાછા, અઠવાગેટ, કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા હતા. પુણાગામ, ઉધના સહિતના વિસ્તારોમાં બજારો અને રસ્તાઓ જળમગ્ન થયા હતા. સરથાણા પોલીસ મથકની અંદર પણ પાણી ભરાયા હતા.
સુરત જિલ્લામાં રવિવારના સાંજના બે કલાકમાં સવા ચાર ઈંચ સાથે તો ત્રણ કલાકમાં અંદાજિત પાંચ ઈંચ વરસાદ વરસી જતા સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. શહેરના વરાછા, અઠવાગેટ, કતારગામ, પુણાગામ, ઉધના સહિતના તમામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રોડ-રસ્તા પર બેથી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જતા સેંકડો વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતાં. વરાછામાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. તો તોફાની પવન સાથે વરસેલા વરસાદમાં અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવું પડ્યું હતું.
વરાછામાં પોલીસ સ્ટેશનની સામેના ભાગે આવેલી કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. તો મીની બજાર ખાતે આવેલા રેસ્ટોરંટમાં પણ પાણી ઘૂસી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત સરથાણા પોલીસ મથકની અંદર પાણીનો ભરાવો થતા પોલીસ કર્મચારીઓએ રાતભર પાણી ઉલેચ્યા હતાં. આવી જ સ્થિતિ શહેરના વીઆઈપી રોડ વિસ્તારની જોવા મળી હતી. અહીં મહાવીર કોલેજ પરિસર તો બેટમાં ફેરવાઈ ગયો હતો. કોલેજ કેમ્પસમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. VIP રોડ પર સેંકડો ટુ વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પાણીમાં ફસાઈ ગયા હતાં. પાણી એ હદે ભરાયા હતા કે વાહનો પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતાં.
ભટાર રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા
સંયમનગરી આગળ પાર્ક કરેલી 6 જેટલી લક્ઝુરિયસ કાર પાણીમાં ડૂબી ગઇ હતી. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. વિવેકાનંદ ટાઉનશીપમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણી ઘૂસતાં ઘર વખરીને વ્યાપક નુકસાન થયું હતું. ભટાર રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અડાજણ સહિતના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને પાણી ભરાતા ડ્રેનેજ લાઈનમાં વરસાદી ભળી ગયા હતા જેથી સ્થિતિ વણસી હતી. જવાહરનગર, ઉમરવાડામાં કોયલી ખાડીના પાણી ફરી વળ્યા હતાં. સ્થાનિક અસરગ્રસ્તોને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ભારે વરસાદથી ફ્રૂટ અને શાકભાજીના વિક્રેતાઓની લારીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.