સુરતઃ સુરતમા રાહુલ રાજ મોલમાં શો રૂમ ધરાવતા માત્ર 28 વર્ષના બિઝનેસમેને આપઘાત કરી લીધો છે. પાર્લે પોઈન્ટ જેવા પોશ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ઢીંગરાના આપઘાત પાછળનું કારણ લોકડાઉનના કારણે આવેલી આર્થિક મંદી છે. લોક ડાઉન બાદ ઘંધો બરાબર નહીં ચાલતા હોવાથી સતત માનસિક તાણ અનુભવતા બિઝનેસમેને સરસાણા ખાતે બીજા ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

પાર્લે પોઇન્ટ ખાતે સરગમ શોપિંગ સેન્ટર નજીક ઇચ્છાનાથ ખાતે રાધેનગર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ઢીંગરા સોમવારે બપોરે માતા સાથે વાત કર્યા પછી સરસાણા ગામ પાસે આગમ રેસીડેન્સીમાં આવેલા તેમના બીજા ઘરે ગયા હતા. મોડી સાંજે તેમના પિતા ઘરે આવ્યા ત્યારે કરણભાઈ ઘરે ન હોવાથી પરિવારજનોએ ઘણી વાર ફોન કર્યા હતા પણ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. પિતા સહિતના પરિવારજનો ચાવી લઈને તેમના સરસાણા ખાતે બીજા ઘરે ગયા હતા. ચાવીથી દરવાજો ખોલતાં કરણભાઈ હૂક સાથે કપડું બાંધી ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમના પિતા અને અન્ય વ્યક્તિઓની મદદ લઈને તેમણે નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

ખટોદરા પોલીસ મથકના ઓફિસરે કહ્યું હતું કે, કરણભાઈ રાહુલ રાજ મોલમાં કપડાનો શો રૂમં ચલાવતા હતા પણ લોક ડાઉન બાદ તેમનો ઘંધો બરાબર ચાલતો ન હોવાથી સતત માનસિક તાણ અનુભવતા હતા. વેસુના વી.આઈ.પી રોડ ખાતે બીજી દુકાનનું ફર્નિચરનું કામ ચાલતું હતું. આગામી બે-ત્રણ દિવસમાં તે દુકાન શરૂ કરવાની પણ તૈયારી કરી રહ્યા હતા ફણ નાણાંની સગવડ ના થતી હોવાથી ટેન્શનમાં રહેતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેમના નાનો ભાઈ આર્ટીસ્ટ છે અને પિતા કાપડ વેપારી છે.