Surat: સુરતમાં ગઇકાલે વડાપ્રધાન મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સુરત ડાયમંડ બુર્સની વિઝિટર બુકમાં અનોખો સંદેશ લખ્યો હતો. તેમણે સુરતમાં ડાયમંડ બુર્સની શરૂઆત થવા પર ખુશી વ્યક્ત કરી હતી.


વડાપ્રધાને લખ્યું હતું કે વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટન પ્રસંગે આવવાનો આનંદ છે. આ ડાયમંડ બુર્સ દેશ માટે એક ચમકતા હીરા સમાન છે. સુરત શહેર પહેલેથી જ ડાયમંડ માટે ગ્લોબલ હબ તરીકે જાણીતું છે પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સ સાકાર થતા જ વિશ્વના નક્શામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે.


વધુમાં તેમણે કહ્યું હતું કે ડાયમંડ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રો અને લોકો એક છત નીચે આવશે. જેમ્સ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં ડાયમંડ બુર્સને કારણે દેશમાં નવી ઉચાઈઓ પ્રાપ્ત થશે. સુરત ડાયમંડ બુર્સ યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરીને તેમની આકાંક્ષોઓને પરિપૂર્ણ કરશે. આ ડાયમંડ બુર્સના કારણે આપણા દેશમાં અનોખી ચમક લાવી ખીલશે.


મળતી માહિતી મુજબ સુરત ડાયમંડ બુર્સ 3400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઈમારત 35.54 એકર વિસ્તારમાં બનેલી છે. આ સ્થાન ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ માટે વૈશ્વિક કેન્દ્ર બન્યું. આ બિલ્ડિંગમાં ઓફિસ શરૂ થયા બાદ 1.5 લાખ લોકોને રોજગારીની તકો ઉભી થશે. ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ પીએમ મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમની મુલાકાત દરમિયાન PMએ ગુજરાતના લોકોને યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટની ઓફિસ પેન્ટાગોન કરતા પણ મોટી 'સુરત ડાયમંડ બોર્સ'ની ભેટ આપી છે.


લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે આ ડાયમંડની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફિક્કી છે. ડાયમંડ બુર્સનું નામ લેવાશે ત્યાં સુરત, ભારતનું નામ આવશે જ. આ બિલ્ડીંગ નવા સંકલ્પનું પ્રતિક છે. આજે સુરતના લોકો, વેપારીઓને વધુ બે ભેટ મળી છે. આજે સુરત એયરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું છે. આજે સુરત એયરપોર્ટને આંતરરાષ્ટ્રીય એયરપોર્ટનો દરજ્જો મળ્યો છે. સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ છે. પહેલા સુરત એરપોર્ટ બસ સ્ટેશન જેવું લાગતુ હતુ. સુરતથી દુબઈ ફ્લાઈટ આજથી શરૂ થશે. ગુજરાતમાં હવે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે દરેક ક્ષેત્રને ફાયદો થશે.