સુરત: ગત રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ રહસ્યમય મોતના કેસમાં પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. છ દિવસ બાદ SITની રચના કરી પુરાવા મળતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હવે આ દિશામાં વધુ તપાસ થશે.


થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એલ. સાળુંકે, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેકટર સી.આર. દેસાઇ અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એ.કે. કુવડીયાની નિમણુંક કરવામાં આવી છે.

થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં સત્ય સુધી પહોંચવા પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે આ કેસમાં ચેતન નામના નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ છે. વનીદાની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી લાશ મળી આવી તેના ગણતરીના કલાકો પૂર્વે એટલે કે શનિવારે રાત્રે 1.30 વાગ્યે વનીદાએ ચેતન નામના યુવાનને લાઇન એપ્લિકેશન પરથી વિડીયો કોલ કર્યો હતો.

ચેતન વેસુ વિસ્તારના સ્પામાં મેનેજર છે અને તેનો પરિવાર વરાછા વિસ્તારમાં રહે છે. ચેતન પોતે મગદલ્લા વિસ્તારમાં જ ભાડાના મકાનમાં રહે છે. વનીદાએ તેને અડધી રાત્રે શું કરવા કોલ કર્યો એ સવાલનો જવાબ મેળવવા પોલીસે મથામણ શરૂ કરી છે. વનીદાનું શોર્ટ સર્કીટથી આગ લાગવાથી થયું હોવાનો પહેલો દાવો કરાતો હતો પણ ડીજીવીસીએલના અધિકારીએ પોલીસ સમક્ષ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો ઈન્કાર કર્યો છે. એ પછી હવે ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરે પણ ઇન્કાર કર્યો હતો. જોકે, હવે હત્યાનો ગુનો દાખલ થતા આ દિશામાં તપાસ થશે.

મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા બુર્સોના ઉર્ફે મીમ્મીની હત્યા થઈ કે અકસ્માત મોત થયું તેના ભેદ ઉકેલવા માટે મથામણ કરી રહેલી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. વનીદા ઉર્ફે મીમ્મીના અપમૃત્યુ કેસમાં એફએસએલ, ફોરેન્સીક મેડિકલની ટીમ, ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરને સાથે રાખી તપાસ કરાઈ રહી છે.