સુરતઃ પાંડેસરા ભેદવાડની 10 વર્ષીય બાળકીની યુવકે બળાત્કારના ઇરાદે હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવક બાળકીને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને બળાત્કારના ઇરાદે ઝાડીમાં ખેંચી ગયો હતો. જોકે, બાળકીએ પ્રતિકાર કર્યો હતો અને હાથે બચકું ભરી લેતા ઉશ્કેરાયેલા યુવકે માથામાં ઇંટ ફટકારી દીધી હતી. આમ છતાં પણ યુવતી જીવત લાગતાં તેના માથામાં પથરાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે આ હત્યા કેસ ઉકેલી નાંખ્યો છે અને યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.


આ અંગેની વિગતો એવી છે કે , ધોરણ 4માં અભ્યાસ કરતી 10 વર્ષીય બાળકી બે દિવસ પહેલા બપોરે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. પરિવારે શોધખોળ કરવા છતા બાળકીનો પત્તો લાગ્યો નહોતો. આથી સાંજે પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ દિશામાં તપાસ કરતા ભેદવાડના પ્રેમનગરની એક દુકાનના સીસીટીવીમાં બાળકી દિનેશ દિગુ બૈસાણે (ઉ.વ. 24 રહે. પ્રેમનગર ઝુંપડપટ્ટી, ભેદવાડ, પાંડેસરા) સાથે જતા નજરે પડી હતી. જેથી પોલીસે દિનેશની પુછપરછ કરી હતી.

દિનેશની કડકાઇથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, તેણે વડાપાંઉની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું. તેમજ તે બાળકીને ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ સુમસામ જગ્યા પર લઇ ગયો હતો. અહીં તેણે બાળકી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેના કપડા ઉતારવા જતાં બાળકીએ તેના હાથે બચકું ભરી લીધું હતું. આથી હેબતાઇ ગયેલા યુવકે તેના માથામાં ઇંટ મારી દીધી હતી. આ પછી બાળકી ઘરે કહી દેશે, તેવા ડરથી પથ્થરના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી.

આ કબૂલાતને આધારે પાંડેસરા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળેથી પોલીસને બાળકીની લેગીન્સ અને અંડરવેર ઘુંટણ સુધી ઉતારેલી હાલતમાં માથા અને મોઢાના ભાગે ઇજાથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે બળાત્કારની આશંકાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં તબીબોએ બળાત્કાર થયાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ સ્પષ્ટતા માટે સેમ્પલો લેવામાં આવ્યા છે. હાલમાં પાંડેસરા પોલીસે દિનેશની ધરપકડ કરી લીધી છે.

દિનેશે બાળકીની હત્યા કરી નાંખતા સમગ્ર ભેદવાડ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો રોષ પારખી જનાર પોલીસે શંકાના આધારે અટકાયત કરી દિનેશ બૈસાણે અને આનંદ મોરેને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા. જયારે બાળકીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં કેટલાક લોકોના હાથમાં આરોપીને ફાંસીની સજા આપો અને ન્યાયની માંગણી કરતા બેનરો પણ જોવા મળ્યા હતા.