સુરતઃ સુરતમાં બે સંતાનની માતા એવી યુવતી સાથે ફેસબુકના માધ્યમથી પરિચય કેળવ્યા બાદ રાજકીય પક્ષના કાર્યકરે નિકટતા વધારી હતી. આ યુવતીની પુત્રીને આરટીઇ એક્ટ હેઠળ સારી સ્કૂલમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી તેણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

એક મહિના સુધી યુવતી સાથે વારંવાર શારીરિક સુખ માણ્યા પછી આ કાર્યકર તેને ભગાડી ગયો હતો પણ યુવતીએ લગ્નની વાત કરતાં તેને તરછોડી દીધી હતી. એનસીપીના સક્રિય કાર્યકર અને રીઢા ગુનેગાર એવા અનિલ કાળુભાઈ માંગુકીયા સામે યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

સરથાણા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા ફેસબુકના માધ્યમથી અનિલ કાળુભાઇ માંગુકીયા (રહે. ઘર નં. 45, સરદાર નગર સોસાયટી, કોસાડ આવાસ ગેટ નં. 5ની સામે, અમરોલી)ના સંર્પકમાં આવી હતી. શરૂઆતમાં મેસેન્જર પર વાતચીત કર્યા બાદ બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા અને ધીરે ધીરે નિકટતા વધી હતી.

આ વાતચીતમાં પરિણીતાએ મોટી પુત્રીને આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવાની વાત કરતાં અનિલે પ્રવેશ અપાવી દેવાની લાલચ આપી મળવા બોલાવી હતી. અનિલે પોતે વકીલ હોવાનું અને એનસીપીનો સક્રિય કાર્યકર હોવાથી રાજકીય વગ ધરાવતો હોવાની ઓળખ આપી યુવતીને અમરોલી વિસ્તારમાં અજ્ઞાત સ્થળે લઇ જઇ શારીરિક સંબંધ બાંધ્યા હતા. અનિલે એક મહિનામાં આ રીતે વારંવાર યુવતી સાથે શારીરિક સુખ માણ્યું હતું. ત્યાર બાદ લગ્ન કરવાની લાલચ આપી અનિલ પરિણીતાને ભગાડી ગયો હતો.

રહસ્યમય સંજોગોમાં પરિણીતા ગુમ થઇ જતા તેના પરિવારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. મંગળવારે પરિણીતા મળી આવી હતી અને અનિલે ફેસબુકના માધ્યમથી પરિચય કેળવી પુત્રીના પ્રવેશની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યાનું જણાવતા અમરોલી પોલીસે અનિલ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી છે.

પોલીસે હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યું છે કે, અનિલ જુનિયર વકીલ તરીકે પ્રેક્ટીસ કરે છે અને એનસીપી સુરતના લીગલ સેલનો સેક્રેટરી છે. અનિલ વિરૂધ્ધ શહેરના અમરોલી, વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા સહિતના પોલીસ સ્ટેશનમાં દારૂ, મારામારી, છેડતીના 17થી વધુ કેસ નોંધાયા છે અને પત્ની સાથે આઇપીસી 498નો કેસ પણ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.