સુરતઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ અકસ્માત સર્જતા નબીરાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં ગંભીર અકસ્માતના કેસમાં પ્રથમ વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પૂર્વે દારૂના નશામાં ધૂત નબીરાએ સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર બેફામ કાર હંકારી પાંચ લોકોને ઈજા પહોંચાડી હતી.
હવે અકસ્માત સર્જનાર સાજન ઉર્ફે સની રાકેશ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાકેશ પટેલ સામે પોલીસે પાસા હેઠળ કડક કાર્યવાહી કરી હતી. રાકેશ પટેલની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કર્યો હતો. અત્યાર સુધી સુરત પોલીસે જુદા- જુદા ગંભીર ગુનાઓમાં પકડાયેલા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હોવાના અનેક કિસ્સા છે.પરંતુ ઓવરસ્પીડમાં કાર ચલાવી અકસ્માત કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહીનો આ પ્રથમ કિસ્સો છે. સુરત પોલીસે સમાજમાં દાખલો બેસાડવા અનોખી પહેલ શરૂ કરી છે. અકસ્માતના કેસમાં આજ સુધી ક્યારેય પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી નથી.
નોંધનીય છે કે કાપોદ્રા પોલીસની સાથે આરટીઓ અને એફએસએલની ટીમે આ અકસ્માતમાં સ્થળ પર જઇને તપાસ કરી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે, કારની બંન્ને એર બેગ ખુલી ગઇ હતી. કારને ક્રેઇનમાં ઊંચકીને ખસેડવી પડી હતી. પ્રાથમિક તારણ અનુસાર કારની સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની હતી. પૂરપાટ ઝડપે આવતી કારે એક પછી એક 3 બાઇકને ટક્કર મારી હતી.
તાજેતરમાં જ સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર ત્રણ મિત્રોને ટ્રક ચાલકે અડફેટે લેતા એકનું મોત, એક યુવક નો પગ કચડાયો અને અન્ય એક યુવક નો બચાવ થયો હતો.. સુરતમાં સચિનના ગભેણી-બુડિયા વચ્ચે ઘટના બની હતી.હિટ એન્ડ રનની આ દુર્ઘટનામાં પાછળ બેસેલા બે પૈકી એકનો ડાબો પગ કચડાઈ ગયો હતો. સચિન GIDC પોલીસ દ્વારા અજાણ્યા ટ્રૃક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક કોલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સચિનના ગભેણી ગામમાં સારંગ ફળિયામાં રહેતો 21 વર્ષીય વિનમ્ર ખલાસીનું મોત થયું હતું.
વિનમ્ર પરિવારમાં મોટો દીકરો હતો. એક નાનો ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. તેના પિતા મિલમાં ડિઝાઈનર તરીકે કામ કરે છે અને વિનમ્ર ડીઆરબી ભાણા કોલેજનો વિદ્યાર્થી હતો. ટ્રકચાલક અકસ્માત બાદ ભાગી ગયો હતો.