surat monsoon rain update today: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં આખો દિવસ ગરમી અને બફારા બાદ રાત્રિના સમયે ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં લોકોને મોટી રાહત મળી છે. એક તરફ સુરતીઓને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી હાશકારો થયો છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત શહેરની વાત કરીએ તો, આજે દિવસભર વાદળછાયા વાતાવરણ અને ભારે ઉકળાટ બાદ મોડી સાંજે અને રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા હતા. શહેરના અઠવા, પાર્લે પોઇન્ટ, યુનિવર્સિટી રોડ, પાલ, ઉમરા અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં રસ્તાઓ ભીના થયા હતા. જોકે, આ વરસાદી ઝાપટાંએ શહેરના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાવ્યો હતો, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં નહિવત વરસાદ જોવા મળ્યો હતો. થોડીવાર ઝાપટું પડ્યા બાદ વરસાદ ભલે બંધ થઈ ગયો હતો, પરંતુ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી હતી.

Continues below advertisement

2 થી 5 જુલાઈ દરમિયાન મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા

રાજ્યમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને 2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી આ વિસ્તારો માટે 'ઓરેન્જ વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' પણ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વરસાદની 80 ટકાથી વધુ ઘટ, હવામાન વિભાગની ચેતવણી

રાજ્યમાં અત્યાર સુધીના ચોમાસાની વાત કરીએ તો, ચાલુ સિઝનમાં અત્યાર સુધી માત્ર 18.8 મીમી વરસાદ જ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં 104 મીમી વરસાદ થવો જોઈએ. વરસાદની આ મોટી ઘટ પૂરી થવાની આશા હવે આગામી દિવસો પર રહેલી છે.

હવામાન વિભાગના ડિરેક્ટર અશોકકુમાર દાસે જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે." દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 15 થી 20 નોટ અને ઝાપટાં 25 નોટ સુધી પહોંચી શકે છે. આથી, તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાનિકોને અને ખેડૂતોને હવામાનના આ મોટા ફેરફાર સામે આગોતરા પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં વરસાદની ખેંચ વચ્ચે હજુ પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત