Surat Rain: સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. વેસુના શુભમ ભાર્ગવ આવાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ત્રાસેલા રહીશોએ રોડ ચક્કાજામ કરી 'SMC જાગો'ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, VIP રોડ પર આવેલી દુકાનો-કેન્ટીનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું છે, જ્યારે ઉધના રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા છે.

Continues below advertisement

 

Continues below advertisement

વેસુમાં પાલિકા સામે આક્રોશ: રોડ પર બેસીને SMC સામે વિરોધ પ્રદર્શન

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા શુભમ ભાર્ગવ આવાસમાં સામાન્ય વરસાદને કારણે સમગ્ર પરિસર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. છેલ્લા 5 થી 6 વર્ષથી સર્જાતી આ કાયમી સમસ્યાથી ત્રાસીને આવાસના રહીશો આખરે રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોડ પર ઘૂંટણસમા પાણીમાં બેસીને લોકોએ ચક્કાજામ કર્યો હતો અને સુરત મહાનગરપાલિકા (SMC) સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારીઓએ "મહાનગરપાલિકા હાય હાય" અને "જાગો જાગો SMC જાગો" ના નારા લગાવી રોડ બંધ કરી દીધો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વખતે થોડા જ વરસાદમાં અહીં ગૂંટણસમા પાણી ભરાઈ જાય છે અને મનપામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

આ પણ વાંચો...ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

VIP રોડ પર કેન્ટીનો અને દુકાનોમાં પાણી ભરાતા મોટું નુકસાન

બીજી તરફ વેસુ VIP રોડ પર આવેલી ભગવાન મહાવીર કોલેજ બહાર મુખ્ય રોડ પર આવેલી કેન્ટીનો અને અન્ય દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે વારંવાર અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. આ સામાન્ય વરસાદમાં પણ અલગ-અલગ દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ઉધના રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ, રાહદારીઓ અટવાયા

વહેલી સવારે વરસેલા વરસાદના કારણે ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને એક છેડેથી બીજા છેડે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આ જળબંબાકારની સ્થિતિમાંથી મુક્તિ અપાવવા માટે વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.