Surat:  સુરતની સચિન GIDCમાં એક કંપનીમાં લાગેલી આગમાં સાત કામદારોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના સચિન જીઆઇડીસીમાં એથર નામની કંપનીમાં આગની ઘટના બની હતી જેમાં સાત કામદારોના મોત થયા હતા. કંપનીમાં લાગેલી આગમાં 27 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા.




મળતી માહિતી અનુસાર, સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રે ૧:૩૦ વાગે પ્રથમ બ્લાસ્ટ થયો હતો. બનાવ સમયે કંપનીમાં 150 જેટલા કર્મચારીઓ હતા. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગમાં દાઝેલા ૨૭ કર્મચારીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા હતા.


રાત્રે ૨:૨૪ વાગે સુરત ફાયરબ્રિગેડને જાણ કરતા પાંચ સ્ટેશનની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.                          


આ મહિનાની શરૂઆતમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગઇ હતી. વ્યાસ સિલેક્શન અને કિંજલ ફેસન સોપમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.                                  


આગને કાબૂમાં લેવા માટે આર્મીના 50થી વધુ જવાનો કામે લાગ્યા હતા. વિરમગામથી વધારાના ફાયર ફાઈટરો બોલાવાયા આવ્યા હતા. કલેક્ટરે કહ્યું હતું કે આગ ભીષણ સ્વરૂપ પકડી રહી છે.ધ્રાંગધ્રામાં મુખ્ય બજારમાં 15થી વધુ દુકાનોમાં આગની ઝપેટમાં આવી હતી. આર્મી અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ પર નિયંત્રણ મેળવવા આર્મીના 50 જવાનો તૈનાત કરાયા હતા. આગમાં એક ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ થઇ હતી. શ્રદ્ધા લેબોરેટરી આગની ઝપેટમાં આવી હતી.                           


ચીફ ઓફિસરે કહ્યું હતું કે 10થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગને કાબૂમાં લેતા હજુ સમય લાગશે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નીચેના માળે આગ પર કાબૂ મેળવાયો હતો.