સુરતઃ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો હાલ, સુરતમાં આવી રહ્યા છે. દરરોજ સરેરાશ 250 જેટલા કોરોના પોઝિટિવ દર્દી સામે આવે છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાંદેર-અડાજણ વિસ્તારમાં દુકાનો સ્વયંભૂ બંધ જોવા મળી રહી છે.


કોરોનાનાં કેસ વધતા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી છે. કોરોનાને ડામવા માટે વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. નોંધનીય છે કે, અગાઉ સુરતના અલગ અલગ ટેક્સ ટાઇલ માર્કેટ દ્વારા પણ સ્વૈચ્છિક રીતે જ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં હવે કોરોનાનું એપી સેન્ટર સુરત બની ગયું છે અને રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસો આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા હવે અમદાવાદની પેટર્ન અપનાવશે. ધન્વંતરી રથમાં રેપીડ ટેસ્ટ કરાશે. પોઝિટિવ દર્દીને તુરંત આઇસોલેટ કરાશે.

સુરતના પૂર્વ કમિશ્નર એમ.થેંનારાસનને વધુ ચાર્જ સોંપાયો છે. સ્થાનિક અધિકારી સાથે બેઠક કરી રણનીતિ બનાવાઈ છે. એટલું જ નહી, સુપરમાં સ્પ્રેડર્સના ટેસ્ટિંગ કરવા કામગીરી સોંપાઈ છે. નોંધનીય છે કે, સુરતમાં કોરોનાના એક્ટિવ કેસો 3 હજારને પાર થઈ ગયા છે. તેમજ રોજ 200થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર ચિંતિત બની છે. તેમજ કેસો કાબૂમાં લેવા પગલા ભરવાના શરૂ કરાયા છે.