સુરતઃ સુરતમાં દિવાળીના તહેવાર નીમિતે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. દિવાળી વેકેશનને લઈને 21, સપ્ટેમ્બરથી જ એડવાન્સ બુકીંગની શરૂઆત કરવામાં આવી હતી. સુરતમાં સમગ્ર દેશના લોકો વસે છે અને દિવાળી સમયે પોત પોતાના વતન જતા હોય છે ત્યારે તેમને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગે આ નિર્ણય કર્યો હતો.




નોંધનીય છે કે  સુરતથી જ દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે ખાસ બસો ઉપડશે. આ એકસ્ટ્રા બસ 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે. બુકિંગ ઓનલાઈન તેમજ ઓફલાઈન થઈ શકશે તેના માટે અલગ અલગ સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવી છે. એકસ્ટ્રા બસ માટે ત્રણ પ્રકારે બુકીંગ કરી શકાશે


એકસ્ટ્રા બસ માટે ઓનલાઈન બુકીંગ કરી શકાશે. કરન્ટ બુકીંગ એટલે મુસાફર આવે અને જેમાં જગ્યા હોય તેમાં સીટ ફાળવવામાં આવશે. ગ્રુપ બુકીંગ એટલે કે જો 50થી વધુ મુસાફરો હોય તો રહેણાક વિસ્તારથી ખાસ બસની સુવિધા આપવામાં આવશે.


દિવાળીની વિશેષ બસ માટે બુકીંગના સ્થળની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મુસાફરો માટે કરન્ટ અને એડવાન્સ બુકીંગ ધારુકા કોલેજ કમ્પાઉન્ડ વરાછા રોડ, રામ ચોક મોટા વરાછા, SMC પ્લોટ પરથી કરી શકાશે. તે સિવાય પંચમહાલ,દાહોદ, ઝાલોદના મુસાફરો માટે રામનગર રાંદેર રોડ, સુરત CBSની સામે જિલ્લા પંચાયત મેદાન પરથી બુકીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત અમદાવાદ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરત CBS સ્ટેશન ઉપરથી બુકીંગ વ્યવસ્થા કરવામાં આવી છે.


સુરત એસટી વિભાગ દ્ધારા ગ્રુપ બુકીંગ અને એડવાન્સ બુકીંગ ઓનલાઈન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરથી કરવામાં આવશે. ઉપરાંત નિગમની વેબ સાઈટ ઉપરથી પણ મુસાફરો ઓનલાઈન બુકીંગ કરાવી શકશે.

એસટી નિયામક પી,વી ગુર્જરે જણાવ્યું હતું કે એક્સ્ટ્રા બસોનું ત્રણ પ્રકારે મુસાફરો લાભ લઈ શકશે, જેમાં કરન્ટ બુકીંગ એટલે કે મુસાફર ત્યાં આવશે અને જે એક્સ્ટ્રા બસ હશે તેના થકી તે મુસાફરી કરી શકશે, બીજું ઓનલાઈન બુકીંગ છે જેમાં લોકો અમારી વેબ પોર્ટલ પરથી અથવા અમારા કાઉન્ટર ઉપરથી બુકીંગ કરાવવાનું રહેશે અને ત્રીજુ છે ગ્રુપ બુકીંગ કે જેમાં જો ૫૦ મુસાફરો હશે તો તેઓને રહેણાક વિસ્તાર સુધી બસ જશે અને ત્યાંથી વતન સુધી બસમાં મુસાફરી કરી શકશે.