સુરતઃ થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં સત્ય સુધી પહોંચવા પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે આ કેસમાં ચેતન નામના નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ છે. વનીદાની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી લાશ મળી આવી તેના ગણતરીના કલાકો પૂર્વે એટલે કે શનિવારે રાત્રે 1.30 વાગ્યે વનીદાએ ચેતન નામના યુવાનને લાઇન એપ્લિકેશન પરથી વિડીયો કોલ કર્યો હતો.


ચેતન વેસુ વિસ્તારના સ્પામાં મેનેજર છે અને તેનો પરિવાર વરાછા વિસ્તારમાં રહે છે. ચેતન પોતે મગદલ્લા વિસ્તારમાં જ ભાડાના મકાનમાં રહે છે. વનીદાએ તેને અડધી રાત્રે શું કરવા કોલ કર્યો એ સવાલનો જવાબ મેળવવા પોલીસે મથામણ શરૂ કરી છે. વનીદાનું ત શોર્ટ સર્કીટથી આગ લાગવાથી થયું હોવાનો પહેલો દાવો કરાતો હતો પણ ડીજીવીસીએલના અધિકારીએ પોલીસ સમક્ષ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો ઈન્કાર કર્યો છે. એ પછી હવે ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરે પણ ઇન્કાર કર્યો છે. આ સંજોગોમાં હત્યાની આશંકા પ્રબળ બની છે.

મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા બુર્સોના ઉર્ફે મીમ્મીની હત્યા થઈ કે અકસ્માત મોત થયું તેના ભેદ ઉકેલવા માટે મથામણ કરી રહેલી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વનીદા ઉર્ફે મીમ્મીના અપમૃત્યુ કેસમાં એફએસએલ, ફોરેન્સીક મેડિકલની ટીમ, ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરને સાથે રાખી તપાસ કરાઈ રહી છે. આ તપાસમાં પ્રાથમિક રીતે વનીદાનું મોત આકસ્મિક નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી રહી હોવા તરફ ઈશારો કરી રહ્યા છે.