સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારીને લઇને શહેર પોલીસ કમિશનરે ચાલુ  ફરજ પર ફોન પર વાતો કરતાં ટ્રાફિક  પોલીસના કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. આ નવા ફરમાન મુજબ ટ્રાફિક પોલીસ કર્મચારી હવે ચાલુ નોકરીએ મોબાઇલ ફોનનો ઉપયોગ નહિ કરી શકે.


આ અંગેની વિગતો મુજબ  સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક પોલીસ માટે મોબાઈલને લઇને નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે પોઇન્ટ ઉપરના કર્મચારીઓને હવે ચાલુ નોકરીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં દેવામાં નહિ આવે. પોલીસ  કમિશનરની ઉચ્ચ અધિકારીઓ સાથેની ક્રાઈમ કોન્ફરન્સમાં આપવામાં આવેલ સૂચના મુજબ આજથી જ તમામ પોઇન્ટ ઇન્ચાર્જે  પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસ સ્ટાફ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના રહેશે.
જ્યારે ટ્રાફિક કર્મચારીની ફરજનો સમય પુરો થયેથી મોબાઈલ પરત આપવાના રહેશે. આ ઉપરાંત સૂચના બાદ પણ જો કોઈની પાસે મોબાઇલ રહી ગયેલ હશે અને જમા કરાવવામાં આવેલ નહીં હોય તો તેનો મોબાઇલ સુરત પોલીસ  કમિશનર કચેરીમાં સાત દિવસ સુધી જમા કરી રાખવામાં આવશે.


આ નવા નિયમનું પાલન શહેરના તમામ સર્કલ ઇન્ચાર્જ તથા સેમી સર્કલ ઇન્ચાર્જ પોઇન્ટ ચેકીંગ તથા સુપરવિઝન દરમિયાન આ સૂચનાનું પાલન થયેલ છે તેની ખાતરી કરવામાં પણ કરવામાં આવશે. વચ્ચેના પોઇન્ટ પર માત્ર એક જ ટીઆરબી અથવા પોલીસ હોય તો તેણે નજીકના પોઈન્ટ ઉપર મોબાઈલ જમા કરાવવાનો રહેશે.


આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના હાલ બપોરે 3 વાગ્યા સુધી લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે. જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. જેમાં પણ રાઉન્ડ દરમ્યાન જોવા મળ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડ અને અન્ય સહાયક ટ્રાફિક જવાનો પોઇન્ટ પર ટ્રાફિક નિયમનને બદલે મોબાઇલ પર વાત કરતાં નજરે પડ્યા હતા. તેથી જો હવે આવા કોઇ પણ ટ્રાફિક કર્મચારી કે ટ્રાફિક બ્રિગેડના કર્મચારી ઓન ડ્યટી ફોન પર વાત કરતાં નજરે પડશે તો તેમની પર કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે હુકમ કર્યો છે.