સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સુરતના યુવકનો સંપર્ક થયો હતો. જે બાદ ટ્રાન્સજેન્ડરને સુરત બોલાવીને લૂંટી લેવામાં આવ્યો હતો. ઈજા પામેલી ટ્રાન્સજેન્ડરને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.


વડોદરા ખાતે રહેતી ટ્રાન્સજેન્ડર ઉચ્ચ શિક્ષણ મેળવીને આત્મનિર્ભર તરીકે જીવે છે. પેન્ટિંગ વર્ક કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી પરંતુ લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ કથળી હતી અને ચાર મહિનાનું ભાડું પણ ભરી શકી નહોતી. આ દરમિયાન ગે લોકોની એપ થકી તેનો સંપર્ક સુરતના કામરેજમાં રહેતા 18 વર્ષીય યુવક સાથે થયો હતો. બંને વચ્ચે ચેટિંગ સમયે વાતચીત થઈ હતી. જે બાદ આ યુવકે તેને રૂપિયા બે હજારની લાલચ આપીને બોલાવી હતી.


પૈસાની લાલચમાં કામરેજ પહોંચેલી ટ્રાન્સજેન્ડરને યુવક રીક્ષામાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં કોઈ બાબતે ઝઘડો થતાં યુવક તથા તેના મિત્રો લાકડા અને પાઇપ વડે તેના પર તૂટી પડ્યા હતા. જે બાદ રોકડ અને 15 હજારની કિંમતનો મોબાઈલ લૂંટીને આ લોકો ભાગી ગયા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.