સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીને પિયર મોકલી દીધી હતી અને તેને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ હોવાનું જણાવી પરત લાવવા ઇનકાર કરી દીધો હતો. જોકે, બીજી તરફ પતિ અન્ય યુવતી સાથે પોતાના વતન ખાતે લિવ-ઇનમાં રહેવા લાગ્યો હતો. આ અંગે પત્નીને જાણ થતાં પત્ની ઘરે પહોંચી ગઈ હતી અને પોતાનો ભાંડો ફૂટી જતાં પતિ અને સાસરીવાળા પાછલા બારણેથી ફરાર થઈ ગયા હતા. આમ, પતિના યુવતીના સાથેના સંબંધનો ભાંડો ફૂટી જતાં યુવતીએ પતિ અને સાસરીવાળા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવતીના વર્ષ 2014માં મળૂ સાવરકુંડલાના નેસડી ગામના વતની અને સુરતમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી વર્ષ 2015માં પુત્રનો જન્મ થયો હતો. જોકે, પતિએ આ સમયે અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ થઈ હતી. આ અંગે પતિને કહેતા સામે પત્નીનો જ વાંક કાઢી તેને ત્રાસ આપવા માંડ્યો હતો. તેમજ તેને પિયર કાઢી મૂકી હતી. 


દીકરી પિયર આવી જતાં માતા-પિતાએ સમાજના વડીલોને વચ્ચે રાખીને સમાધાન કરાવ્યું હતું અને પોતાની દીકરીને તેડી જવા માટે જણાવ્યું હતં. જોકે, લાંબા સમય સુધી પતિ તેડવા આવ્યો નહોતો. તેમજ પત્નાીને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ છે અને તેમની સાથે ફરતી હોવાના આક્ષેપો લગાવી પત્નીને રાખવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, થોડા સમય પછી બંને વચ્ચે ગેરસમજ દૂર થઈ ગઈ હતી. આમ છતા પતિ તેડવા ન આવતો હોઇ પરિણીતાને પતિ પર શંકા ગઈ હતી.  


યુવતીએ પતિ વિશે તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે, પતિ અન્ય યુવતી સાથે લિવ-ઇનમાં રહે છે. આ જાણ થતા યુવતી લગ્નની સાતમી એનવર્સરીના બીજા દિવસે 23મી ફેબ્રુઆરીએ પિતા અને અન્ય સંબંધીઓ સાથે વતન સ્થિત સસરાના ઘરે પહોંચી હતી. અહીં પહોંચી દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલ્યો નહીં અને પતિ સહિતના ઘરના સભ્યો પાછલા દરવાજેથી વાડીમાં ભાગી ગયા હતા. જ્યારે નણંદે ઘરે કોઈ ન હોવાનું કહેતા યુવતીએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી મદદ માગત ટીમ આવી પહોંચી હતી. જોકે, પતિ અનને સાસરીવાળાએ પોલીસને પણ સહકાર આપ્યો નહોતો અને દરવાજો ખોલ્યો નહોતો. 


અંતે કંટાળેલી પરિણીતાએ સુરત આવીને સરથાણા પોલીસ સ્ટેશનામાં પતિ અને સાસરીવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.