સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમી સાથે લગ્ન કરવા માટે છૂટાછેડા આપવાનો ઇન્કાર કરનાર પતિને પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. જોકે, શિક્ષિકાએ પતિ અને પ્રેમી બંનેને ખોવાનો વારો આવ્યો છે. પતિ અને પ્રેમીના તળાવમાં ડૂબી જવાથી મોતના કેસમાં પત્નીની પોલીસે ધરપકડ કરી છે. આજે પત્નીને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવી હતી અને વિધવાના રૂપમાં સફેદ સાડી પહેરીને આવી હતી. જ્યાં મેડિકલ ઓફિસર સામે તેને ખોટી રીતે ફસાવવામાં આવી હોવાનું રટણ કરી રહી હતી. મેડિકલ તપાસમાં ખુશ્બૂના કપાળ પર ઈજા નિશાન મળ્યા હતા.



સુરતના મોરાભાગળ ખાંડાકુવા ખાતે રહેતા કમલ યોગેશભાઇ પટેલની પત્ની ખુશ્બૂ શિક્ષિકા તરીકે રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં ફરજ બજાવે છે. સાત વર્ષના લગ્નગાળામાં 3 વર્ષની પુત્રી હોવા છતા ખુશ્બૂ તુષાર ઉત્તમભાઇ પટેલ નામના યુવકના પ્રેમમાં પડી હતી. પત્નીના પ્રેમ અંગે પતિને જાણ થઈ જતા ઝઘડો થયો હતો. જેથી પત્નીને છૂટાછેડા માટે કહ્યું હતું. જોકે, દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી છૂટાછેડાની મનાઈ ફરમાવી દીધી હતી. જેથી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું.



21મી ઓક્ટોબરના રોજ રાત્રે ખુશ્બૂ પતિ સાથે પિયર સેગવા-વસવારી જવા નીકળી હતી અને કોસમ કંટારાગામ વચ્ચેના તળાવ પાસે પહોંચતા લઘુશંકાના નામે બાઈક ઉભી રખાવી હતી. જ્યાં તુષાર પહેલાંથી હાજર હતો અને તેણે કમલને પકડીને તળાવમાં ખેંચતા તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે, કમલે પણ તુષારને પકડી રાખતા બંને જણા તળાવમાં ગરક થઇ જતા મોતને ભેટ્યા હતા.



તળાવમાંથી બે યુવકોની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ખુશ્બૂએ બાઇક સ્લીપ થઇ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેના શરીર પર કોઇ ઇજાના નિશાન ન હતા. તેમજ બાઇક પણ વ્યવસ્થિત પાર્ક કરવામાં આવી હોવાથી પોલીસને શંકા ગઇ હતી અને પુછપરછમાં ખુશ્બૂ ભાંગી પડતા હકીકત બહાર આવી હતી.

આજે ખુશ્બૂને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જેમાં ખુશ્બૂ વિધવાના રૂપમાં સફેદ સાડી પહેરીને આવી હતી. ખુશ્બૂની પોલીસે ધરપકડ કર્યા બાદ સાસરીયાઓ તો આવ્યા નથી પરંતુ પિયર પક્ષના પણ કોઈ મળવા આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે પણ સાસરીયા કે પિયર પક્ષનું કોઈ હાજર રહ્યું ન હતું. સિવિલ હોસ્પિટલમાં ખુશ્બૂના નખના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ખુશ્બૂના કપાળ પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. દરમિયાન ખુશ્બૂ મેડિકલ ઓફિસર સામે તેને ખોટા રીતે ફસાવવામાં આવી હોવાનું રટણ કરી રહી હતી.

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની ક્યાં યોજાશે મતગણતરી,  જાણો વિગત

રોહિત શર્માએ કર્યુ મોટું કારનામું, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મેળવી આ સિદ્ધી, જાણો વિગતે

ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં સતત બીજા દિવસે થયું માવઠું, ખેડૂતોના જીવ ચોંટી ગયા તાળવે, જાણો વિગત