એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સુરત કોર્પોરેશન કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ડી-માર્ટમાં પેકેઝિંગ વિભાગમાં કામ કરતાં યુવકને કોરોના પોઝિટિવ આવતાં આ સમય દરમિયાન જેટલા લોકો શોપિંગ કરવા માટે ગયા હતા, તે તમામ 1672થી વધુ લોકોને મેસેજ કરીને હોમ ક્વોરોન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ડી-માર્ટની એક કિ.મી.ના અંતરમાં આવતાં 3 હજારથી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઇન રહેવા સૂચના આપી છે. આ સાથે આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ યુવકની સાથે એક યુવતીને ચેપ લાગ્યો હોવાની અફવા ફેલાઈ હતી. જોકે, પાલિકા તંત્ર દ્વારા એક જ યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનો ખુલાસો કર્યો છે. તેમજ અફવા ફેલાવનારા સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરના અન્ય ડિ-માર્ટ ચાલુ રહેશે. જોકે, પાંડેસરાનો આ ડી-માર્ટ બંધ રહેશે. તેમજ અન્ય દુકાનોને ચોકસાઇ રાખવાની સૂચના આપવામાં આવી છે.