Water Tank Collapse Tadkeshwar: સરકારી યોજનાઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર (Corruption) નું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે જોવા મળ્યું છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા કેવી રીતે 'પાણી'માં જાય છે, તેનો પુરાવો અહીં નિર્માણ પામેલી પાણીની નવી ટાંકી આપી રહી છે. તડકેશ્વર ગામે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી 'ગાય પગલા જૂથ પાણી પુરવઠા યોજના' (Water Supply Scheme) અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વિશાળ પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ધડામ દઈને જમીનદોસ્ત થઈ ગઈ છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નબળી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

Continues below advertisement

બનાવની વિગત એવી છે કે, આ યોજના અંતર્ગત અંદાજે 21 Crore (21 કરોડ) રૂપિયાના ખર્ચે ટાંકી અને સંપ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ટાંકીનું કામ લગભગ પૂર્ણતાના આરે હતું. 15 મીટર ઊંચી અને 11 Lakh (11 લાખ) લીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતી આ ટાંકીની મજબૂતી ચકાસવા માટે છેલ્લા બે દિવસથી તેમાં પાણી ભરવામાં આવી રહ્યું હતું. ટાંકીમાં આશરે 9 Lakh લીટર પાણી ભરાયું હતું, ત્યાં જ આજે સવારે 12:00 વાગ્યાના સુમારે અચાનક ટાંકી ધરાશાયી (Tank Collapse) થઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં માત્ર એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ટાંકી તૂટતાની સાથે જ ચારેબાજુ માત્ર કોંક્રીટનો કાટમાળ અને પાણી ફરી વળ્યું હતું. સંપ થોડે દૂર હોવાથી તેને નુકસાન થયું ન હતું.

Continues below advertisement

ઘટના બાદ જ્યારે સ્થળ પર કામગીરીનું 'રિયાલિટી ચેક' (Reality Check) કરવામાં આવ્યું, ત્યારે ભ્રષ્ટાચારની ગંભીર પોલ ખુલી હતી. ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા હાથ અડાડતા જ ઉખડી રહ્યા હતા, જે કામગીરીની નબળી ગુણવત્તા (Poor Quality Construction) સાબિત કરવા પૂરતા હતા. આ ટાંકી અને સંપ દ્વારા આસપાસના 14 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળવાનું હતું, પરંતુ ટાંકી તૂટી પડતા હવે ગ્રામજનોની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. નવી ટાંકી ક્યારે બનશે અને ક્યારે પાણી મળશે, તે હવે મોટો પ્રશ્ન છે.

દુર્ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 'જેન્તી સુપર એજન્સી' નામની કંપની આ કામગીરી કરી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે આ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે SVNIT (Sardar Vallabhbhai National Institute of Technology) ના એન્જિનિયરો દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. SVNIT નો રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે ડિઝાઈનમાં ખામી હતી કે મટિરિયલમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જોકે, સવાલ એ થાય છે કે શું જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી થશે કે પછી હંમેશની જેમ 'પાણીનું નામ ભૂ' કરી દેવામાં આવશે?