Pahalgam terror attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.
આતંકવાદી હુમલાનો ભોગ બનેલા શૈલેષનો પાર્થિવ દેહ સુરત લવાયો, મંત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરત શહેરના શૈલેષ કળથિયાની પણ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. શૈલેષના મૃતદેહને મોડી રાત્રે એર ઈન્ડિયાની ખાસ ફ્લાઇટ દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને અધિકારીઓએ શૈલેષના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યમંત્રી અંતિમયાત્રામાં જોડાશે.
પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ મોડી રાત્રે ભાવનગર લવાયા હતા. આજે અંતિમયાત્રામાં શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી પણ ભાવનગર જશે. અમદાવાદ એરપોર્ટ પર નેતાઓ, CISFના જવાનોએ મૃતદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. બંનેની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે.
જન્મદિવસના એક દિવસ અગાઉ હત્યા
શૈલેષના ભત્રીજા અંકુર સુતરિયાએ જણાવ્યું કે તેમના કાકાનો જન્મદિવસ 23 એપ્રિલે છે. મૃતક શૈલેષની હત્યા તેના જન્મદિવસના એક દિવસ પહેલા જ કરવામાં આવી હતી. અંકુરે કહ્યું હતું કે, 'મારા કાકા-કાકી અને તેમના બાળકો કાશ્મીર ફરવા ગયા હતા. અમને આતંકવાદી હુમલા વિશે મીડિયા દ્વારા ખબર પડી હતી. આ પછી અમે ઘણી વાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ સંપર્ક થઈ શક્યો નહીં. અમે ત્યાંના અધિકારીઓ સાથે વાત કરી. તેમણે અમને કહ્યું કે તેમના પરિવારના સભ્યો સુરક્ષિત છે, પરંતુ થોડા સમય પછી અમને કહેવામાં આવ્યું કે કાકાનું અવસાન થયું છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કડક પગલાં લેવામાં આવે જેથી કોઈ પણ પરિવારને આટલી અસહ્ય પીડા સહન ન કરવી પડે.