Surat: સુરતના ડુમસમાં બે હજાર કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતમાં કલેક્ટર હતા ત્યારે બેદરકારી દાખવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આયુષ ઓક પર સરકારી જમીન બિલ્ડરના નામે કર્યાનો આરોપ લાગ્યો છે. જેના કારણે સરકારને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. 23 જૂન 2021થી 1 ફેબ્રુ. 2024 સુધીના કાર્યકાળમાં ગોટાળાનો આરોપ છે. સરકારી જમીન રાજેન્દ્ર શાહ, ધર્મેન્દ્ર શાહ, સુગમચંદ્રના નામે કરી દીધાનો તેમના પર આરોપ છે.


મળતી જાણકારી અનુસાર, સુરત નજીકના ડુમસમાં સરકારી માલિકીની અંદાજીત બે હજાર કરોડની કિંમતની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતીયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં બેદરકારી દાખવનાર સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ સંજીવ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકે 23 જૂન 2021થી 1 ફેબ્રુઆરી 2024 દરમિયાનની ફરજ દરમિયાન સરકારી જમીનમાં ગોટાળા કરીને સરકારને મોટુ નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.


ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના જયમિન શાહની સહી સાથે આયુષ ઓકના સસ્પેન્સનનો ઓર્ડર કરવામાં આવ્યો છે. સરકારી જમીન પર ખેતી કરનારને ગણોતધારાની કલમ ચાર હેઠળ જમીનની માલિકી મળતી ન હોવા છતા જમીનની માલિકી તબદિલ કરવામાં આવી છે. સસ્પેન્સન ઓર્ડરમાં તેમની પણ ગંભીર આરોપ મુકવામાં આવેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કૌભાંડ આચરવામાં આવ્યું ત્યારે સુરતના કલેક્ટર તરીકે આયુષ ઓક ફરજ પર હતા. તેમણે ગંભીર બેદરકારી દાખવીને સરકારને અબજો રૂપિયાનું નુકસાન કરાવ્યુ હોવાનો પણ આરોપ છે. ઓલ ઈન્ડિયા સર્વિસ અપીલરૂલ્સ 1969ના નિયમ નંબર ત્રણના પેટા નિયમ એકની જોગવાઈ હેઠળ આ પગલુ લેવામાં આવ્યું છે.


રાજ્ય સરકારે અખિલ ભારતીય સેવાઓના નિયમો અનુસાર શિસ્તભંગની કાર્યવાહી કરી છે. આ સાથે જ એવુ પણ કહેવાયું છે કે તેઓ નિર્વાહ ભથ્થુ મેળવવા હકદાર રહેશે. તેમના સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમનું મુખ્ય મથક પાટણ રહેશે. તેઓ ક્યાંય રોજગાર, નોકરી કે વ્યવસાય કરી શકશે નહીં. સમગ્ર કૌભાંડમાં મોટા ભૂમાફિયા અને રાજકારણીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવાની સત્તા વાસ્તવમાં મહેસૂલ અધિકારીના જ હાથમાં હોય છે. જમીનમાં નામ દાખલ કરતા પૂર્વ અધિકારીએ કારણદર્શક નોટિસ ઈશ્યુ કરવાની વિધિ પણ ન કરી હોવાનું બહાર આવ્યું છે. એટલુ જ નહીં ધારાધોરણ મુજબ પુરાવાઓ લીધા વગર જ ગણોતિયાના નામે જમીન કરી દેવામાં આવી છે. ત્યાર બાદ વર્ષ 2005માં રાજેન્દ્ર શાહ, ધર્મેન્દ્ર શાહ અને સુગમચંદ શાહના નામે જમીન કરી દેવામાં આવી હતી. નિયમ મુજબ સરકારી જમીન પર ગણોતીયાનું નામ દાખલ થઈ શકે જ નહીં. ગણોતધારાની કલમ ચાર અનુમાસ કોઈ વ્યક્તિ બીજાની જમીન ખેડતો હોય તો તેને ગણોતીયા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ સરકારી જમીનમાં ખેતી કરવાથી ગણોતીયો બની જાય છે. તે અંગેનો કોઈ જ ઉલ્લેખ કલમ ચારમાં કરવામાં આવ્યો નથી.


કોંગ્રેસ નેતા દર્શન નાયક અને તુષાર ચૌધરી સરકારમાં રજૂઆત કરી હતી. આચારસંહિતા પૂર્ણ થયાના પ્રથમ સપ્તાહે જ સરકારે કાર્યવાહી કરી હતી. ACS કક્ષાએ ઈન્કવાયરી થશે. વલસાડ કલેક્ટરનો ચાર્જ RAC અનસૂયા ઝાને તત્કાળ સંભાળી લેવા સરકારે આદેશ કર્યો હતો.  સુરતમાંથી વલસાડ બદલી થઈ એ વખતે બે હજાર કરોડની જમીન બિલ્ડરને પધરાવી હતી.