સુરતઃ સામાજિક સેવા બદલ નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનારા સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાને તેમના પરિવારજનોએ સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે રૂપિયા 50 કરોડનું હેલિકોપ્ટર આપ્યું છે.
સવજીભાઈને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો ત્યારે પરિવારે સુરતમાં સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી તેમને સન્માનિત કર્યા હતા. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીના દિવસે મુંબઈમાં તેમના લઘુબંધુ ઘનશ્યામભાઈ, તુલસીભાઈ અને મોટાભાઈ હિંમતભાઈ તેમજ પરિવારના 8 દીકરાઓએ સાથે મળીને સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તે પાર્ટીમાં સવજીભાઈને હેલિકોપ્ટર ગિફ્ટમાં આપવાની જાહેરાત કરાઇ હતી.
આ અંગે સવજીભાઈના ભાઈ તુલસીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, સવજીભાઈને ગિફ્ટ આપવા મુદ્દે અમારા પરિવારે ખૂબ જ મનોમંથન કર્યું હતું. અમે વિચાર્યું કે, આપણે પરિવારજનો આપણા પરિવારના મોભીને શું ગિફ્ટ આપી તો સારું ? આ મનોથનના અંતે નિર્ણય લેવાયો કે, અત્યારે સવજીભાઈ માટે સૌથી કિંમતી વસ્તુ સમય છે તેથી તેમને સમય બચે જ્યાં જવું હોય ત્યાં સમયસર પહોંચી શકે, સમયસર તેમના કામ થઈ શકે એ જરૂરી છે. આ ઉપરાંત વધારે પ્રમાણમાં સામાજિક સેવામાં સમય વાપરી શકાય એ માટે અમારા પરિવારે તેમને હેલીકોપ્ટર ગિફ્ટમાં આપવાનો નિર્ણય લીધો હતો.
તેમણે કહ્યું કે, આ હેલિકોપ્ટર ખરીદવા માટે ઘણી બધી એજન્સીઓનો સંપર્ક કર્યો. આ સરપ્રાઈઝ ગિફ્ટ હતી તેથી સવજીભાઈથી વાત છૂપાવવી મહત્વની હતી. ડીલ ફાઈનલ થાય ત્યાં સુધી સવજીભાઈ સુધી આ વાત પહોંચે નહીં તેની તકેદારી રાખવાની હતી કોઈ એજન્સી સીધો ફોન કરીને એમને વાત કરે ને સસ્પેન્સ ના ખૂલી જાય એટલે ખૂબ જ સાવધાનીપૂર્વક એજન્સીઓ પાસેથી ભાવ લીધા હતા. હેલિકોપ્ટરની ઝડપથી ડીલીવરી મળી જાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે છતાં ડીલીવરી મળવામાં એક મહિના જેવો સમય લાગી જશે.
સવજીભાઈ ધોળકીયાને સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં જળ સેવા માટે પદ્મશ્રી એવોર્ડ આપવાનો સરકારે નિર્ણય લીધો છે.