Surat : સુરતમાં એક  પિતાએ જ પોતાના પુત્રનું અપહરણ કરાવ્યાંની ઘટના સામે આવી છે. અમરોલી પોલીસે આ કેસમાં કોઈ રીઢા ગુનેગાર નહીં પરંતુ નશો છોડાવવા માટે  યુવકનું અપહરણ કરી લઈ જનાર પિતરાઈ ભાઈ અને નશામુક્તિ કેન્દ્રના કર્મચારીઓની અટકાયત કરી છે. 


સુરતના અમરોલી વિસ્તારના આવેલી અમરદીપ સોસાયટીમાં  લોન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં 32 વર્ષીય જગદીશ પ્રેમજી માલવિયા રાત્રે સવા બે વાગ્યે સુવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એક કાર તેમના ઘર પાસે આવીને ઊભી રહી હતી અને લોનના કામ માટે બહાર બોલાવી નંબર વિનાની સ્કોર્પિઓમાં કેટલાક શખ્સો અપહરણ કરી ગયા હતા.


યુવકના પિતરાઇ ભાઇ કલ્પેશ માલવિયાએ ત્વરિત પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ પણ ધંધે લાગી હતી. અપહરણમાં વપરાયેલી કારનો સાયણ ચેકપોસ્ટના કર્મચારીઓએ પણ બાઇક મારફત પીછો કર્યો હતો, પરંતુ કાર છટકી જતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.


પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સવારે કલ્પેશને ફોન આવ્યો હતો. ફોનકર્તાએ પોતે કઠોરના જય ચેરિટેબલ નશામુક્ત કેન્દ્રમાંથી બોલતો હોવાનું અને તેના પિતરાઇને તેઓ જ અપહરણ લઇ આવ્યાનું જણાવ્યું હતું. 


યુવકના પિતાએ જ નશાની ચુંગાલમાંથી છોડાવવા તેને લઇ આવવા જણાવ્યું હોવાનું જણાવતાં કલ્પેશભાઇ સીધા અમરોલી પોલીસમથકે પહોંચ્યા હતા. નશામુક્તિ કેન્દ્ર દ્વારા નંબર વિનાની કારમાં જે રીતે અપહરણ કરાયું હતું અને પોલીસને પણ જાણ કરવાની તકેદારી નહિ લેવાઇ હોઇ,  પોલીસે અપહરણમાં સંડોવાયેલા ચારને અટકાયતમાં લઇ તપાસ હાથ ધરી હતી.


સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની કિશોરી પર બળાત્કાર
સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની એક કિશોરી પીંખાઈ છે. અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અંગત પળોના વીડિયો ઉતારી લઈને બાદમાં તેના મિત્રો સાથે શેર કર્યો હતો. જેથી પરિવારની ફરિયાદ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.