સુરત: સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરનું શંકાસ્પદ હાર્ટ અટેકમાં મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકના મોતના પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પત્ની પણ હાલ ગર્ભવતી છે.


ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી કંપનીમાં યુવક ટ્રક લઈ આવ્યો હતો,જ્યાં નો એન્ટ્રી હોવાના કારણે ગેટથી દૂર તેણે પોતાનું વાહન પાર્ક કરી ડ્રાઈવર સીટના સ્ટેયરિંગ પર માથું મૂકી સુઈ ગયો હતો.જ્યાં સિક્યોરિટી ગાર્ડને યુવક બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. 


મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં રહી ટ્રાન્સપોર્ટ પર ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચાલકનું શંકાસ્પદ હાર્ટ અટેકમાં મોત નિપજ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો અને મૃતકના સબંધી રાજભોગ શાહુના જણાવ્યાનુસાર, મૃતક રાજકુમાર શાહુ અને તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે. છેલ્લા ત્રણ વર્ષથી રાજકુમાર શાહુ સુરતના ટ્રાન્સપોર્ટ પર ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી પોતાની પત્ની, બે સંતાનો અને માતા-પિતાનું ગુજરાન ચલાવતો હતો. 


ગત રોજ સુરતના ઈચ્છાપોર ખાતે આવેલ ખાનગી કંપનીમાં રાજકુમાર ટ્રક લઈ માલની ડિલિવરી માટે પોહચ્યો હતો. રાત્રિમાં સાડા નવ વાગ્યાનો સમય હોવાથી કંપનીમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. નો એન્ટ્રી હોવાથી રાજકુમારને કંપનીના સિક્યોરિટી ગાર્ડે ગેટ પાસે રોકાવી દીધો હતો. જેથી રાજુકુમારે પોતાનો ટ્રક કંપનીના ગેટથી થોડા અંતરમાં પાર્ક કરી હતી. જ્યાં ટ્રકના ડ્રાઈવર સીટની જગ્યાએ સ્ટેયરિંગ પર માથું મૂકી સુઈ ગયો હતો. બાદમાં કંપનીનો ગેટ ખુલતા વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.પરંતુ રાજકુમાર ટ્રક લઈ આગળ ન વધતા સિક્યોરિટી ગાર્ડ તેણે જોવા માટે ગયો હતો. જ્યાં સ્ટયરિંગ પર માથું દઈ સુતેલ રાજકુમાર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ કંપની અને પોલીસને કરવામાં આવી હતી. જ્યાં તાત્કાલિક રાજકુમાર ને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતને લઈ તબીબોએ પણ હાર્ટ અટેકની શંકા વ્યક્ત કરી હતી. 


જ્યાં પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ બહાર આવી શકશે. યુવકના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.જ્યારે પત્નીને પણ હાલ ગર્ભ છે.જ્યાં પત્ની બાળકને જન્મ આપે તે પહેલાં જ યુવકનું મોત થતાં પરિવાર ઘેરાશોકમાં ગરકાવ થઇ ગયો છે. ઘટના અંગે ઈચ્છાપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.