સુરત: સુરતના તક્ષશિલા આર્કેડમાં ટ્યૂશન ક્લાસીસમાં બનેલી આગની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને ઠેર-ઠેર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને આ ઘટનામાં જવાબદાર લોકો પ્રત્યે સખત પગલાં લેવાની માંગ કરી રહ્યાં છે.

આ ઘટના બાદ નિંદ્રામાંથી સફાળી જાગેલી સરકારે પણ ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસીસને બંધ કરાવવાનો આદેશ આપ્યો હતો તો આ ઘટનામાં ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે ક્રાઈમ બ્રાંચે વધુ બે આરોપીની ધરપકડ કરી છે.

સુરત ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જિગ્નેશ પાધડાળની ધરપકડ કરી લીધી છે. હરસુલ વેકરિયા આ બિલ્ડીંગમાં પાર્ટનર છે જ્યારે જિગ્નેશ પાધડાળ આ બિલ્ડિંગનું કામકાજ સંભાળતો હતો. હવે આ બન્ને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બિલ્ડીંગના ટેક્નીક્લ સ્ટાફના ડેપ્યુટી એન્જિનિયર વિનુ પરમારને પણ કોર્પોરેશન દ્વારા સસ્પેન્ડ કરાયા છે. વિનુ પરમાર ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતાં હતાં.

આ પહેલા તાત્કાલીક ધોરણે ટ્યૂશન ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ભાર્ગવ બુટાણીના 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી ભાર્ગવ બુટાણીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. નોંધનીય છે કે આ ભીષણ આગની દુર્ઘટનામાં 23 હતભાગીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.