સુરત AAPના બે કોર્પોરેટર પર ગંભીર આરોપ લાગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો પર 10 લાખની લાંચ લેવાના આરોપ લાગ્યા છે. આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને કોર્પોરેટર વિપુલ સુહાગીયા પર 10 લાખની લાંચ લીધાનો આરોપ છે.


પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર  પાસેથી  10 લાખની લાંચ લીધાનો આરોપ છે. બંને કોર્પોરેટર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી, કર્મચારી પર પણ આરોપ છે. જીતેન્દ્ર કાછડીયાએ લાંચના આરોપને ફગાવ્યા હતા. પાર્કિંગ માફીયાઓએ ખોટી અરજી કર્યાનો જીતેન્દ્ર કાછડીયાએ દાવો કર્યો હતો.


સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે દસ લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરાઇ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા. આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.


નોંધનીય છે કે ડાયમંડ નગરી સુરતમાં એસીબીએ વધુ એક સપાટો બોલાવ્યો હતો. ઉધના ઝોનની  અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી SMC ના ક્લાસ 3 બે કર્મચારીઓ ઝડપી પાડ્યા હતા. જીગ્નેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા 35,000ની લાંચ લેતા ઝડપાયા હતા. આ બંનેએ મકાનના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી.


આ કામના ફરીયાદી મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરતા આવ્યા હતા. જે મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોવાથી જે વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી પાસે રૂ.૩૫,૦૦૦ લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી મેહુલ પટેલને મળતા તેણે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. બંને આરોપીઓ સ્થળ પર પકડાયા હતા.