સુરતમાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. પૂર ઝડપે આવેલી કાર ચાલકે અકસ્માત સર્જતા બેના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.  મળતી જાણકારી અનુસાર, શહેરના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક અને ચાર વર્ષીય બાળકનું મોત થયું હતું. સંકેત અને તેનો પરિવાર રિંગરોડ દુખિયાના દરબાર પાસે આવેલા ફૂટપાથ પર બેઠા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી કાર ફૂટપાથ પર ચઢી હતી અને લોકોને અડફેટે લીધા હતા. જીજ્ઞેશ ગોહેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ છે. સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.


અકસ્માતમાં બાઇક પર સવાર સંકેત વાવડીયા, ચાર વર્ષીય બાળકનું મોત થયું હતું.  દિવ્યેશ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે પી.પી.માણીયા હોસ્પિટલ ખસેડાયા હતા. ઉતરાણ પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


બીજી તરફ અમદાવાદમાં AMTSએ વધુ એક વાર અકસ્માત સર્જ્યો હતો. 50 નંબરની બસ જે મેઘાણીનગરથી ઘુમા ગામમાં જતી હતી પરંતુ ડ્રાઇવર કૃષ્ણ સારથી સોસાયટીમાં ઘૂસી ગયો હતો. સ્થાનિકોનો આરોપ છે કે ડ્રાઇવરે નશો કર્યો હતો. જો કે ડ્રાઈવરને ગભરામણ થતા બસ સોસાયટીમાં લઇ ગયો હોવાનું એએમસી કહી રહી છે. હાલ ચાલકને સોલા સિવિલમાં ખસેડાયો છે અને બેભાન હોવાથી સારવાર ચાલી રહી છે.જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.                                                                                                        


અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ પરિસરમાં યુવતીએ મહિલાને ટક્કર મારતા મોત થયું હતું. યુએન મહેતા હોસ્પિટલ પાછળ કેન્ટીનના ભાગે ઘટના બની હતી. કાર ચાલક યુવતીએ 45 વર્ષની મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. મૃતક અને તેનો પરિવાર દેવભૂમિ દ્વારકાથી આઠ વર્ષના બાળકની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ફરિયાદ નોંધાઇ હતી.