વ્યારાઃ વ્યારાના ચાંપાવાડી ગામે એક્ટિવા પર સવાર બે મહિલા પોલીસને પિકઅપચાલકે અડફેટે લેતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. હજુ આઠ મહિના પહેલા જ પોલીસમાં ભરતી થયેલી આ બંને યુવતીઓ ઇ-ગુજકોપની ટ્રેનિંગ માટે કાંકરાપાર પોસ્ટમાં કામગીરી કરતી હતી. અકસ્માતમાં ચીખલવાવના ગામીત ફળિયામાં રહેતી સ્મિતાબેન હરીશભાઇ ગામીત અને વ્યારા તાલુકાના સરકૂવાની રિતિકાબેન ભૂપેન્દ્રભાઈ ગામીતનું મોત થયું છે તેમની પસંદગી સુરત શહેર માટે થઈ હતી.


આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે સ્મિતા ગામીત અને રિતિકા ગામીત એક્ટિવા પર ઘરેથી ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટ જવા નીકળ્યા હતા. દરમિયાન વ્યારા કાકરાપાર રોડ પર ચાંપાવાડી ગામની સીમમાં પાસે પિકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી મહિલા પોલીસની એક્ટિવાને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં સ્મિતાબેન ગામીત (ઉં.વ. 27)ને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતાં.

જ્યારે રિતિકાબેનને ગંભીર ઇજા પહોંચતાં પ્રાથમિક સારવાર વ્યારા બાદ સુરત ખાતે લઈ જવાયાં હતાં ત્યાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પિકઅપ ચાલકની શોધખોળ હાથ ધરી હતી. બંને યુવતીઓ થોડા સમય પહેલા ગુજરાત પોલીસમાં ભરતી થયા હતા તેમજ સ્મિતાબેન ગામીતઆઠેક માસથી જૂનાગઢ પીટીસી ખાતે ટ્રેનિંગમાં છે. તેમની પસંદગી સુરત શહેર ખાતે થયેલી હતી.