Surat Rain: સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ બપોર પછી ધોધમાર બની ગયો હતો. ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને કારણે ઘણી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.



  • ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ: વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આટલા ઓછા સમયમાં 14 ઈંચ વરસાદને કારણે ઉમરપાડા સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયું છે.

  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહનચાલનમાં ભારે અવરોધ ઉભો થયો છે. ઘણા ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું છે.

  • મોહન અને વીરા નદીમાં પૂર: વરસાદના કારણે ઉમરપાડાની જીવાદોરી સમાન મોહન નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. વીરા નદીમાં પણ ભારે પૂર આવ્યું છે. ગોંડલિયા ગામ પાસે વીરા નદી પર બનેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ચિતલદા ગામમાંથી પસાર થતી વીરા નદીમાં પણ પૂર આવ્યું છે.

  • અન્ય ગામોમાં પણ ભારે વરસાદ: ઉમરપાડા તાલુકાના ધાણવડ, કેવડી, ઉમરગોટ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંગરોળથી ઉમરપાડાને જોડતા માર્ગો પર નદીના પાણી ફરી વળ્યા છે. ઉમ્મરઝર ગામની ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.


16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.


આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.


18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.