વડોદરાઃ  સૌરાષ્ટ્રથી કોરોનાના દર્દીઓની સેવા કરી સુરત પરત ફરી રહેલા 3 યુવકોના કાર અકસ્માતમાં મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના કપુરાઇ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે. કાર ચાલકને ઝોકું આવી જતા કાર ડીવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી. આ જ સમયે ટ્રક સાથે અકસ્માત થતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.   


આ ગમખ્વાર અકસ્માતમાં અશોક ગોદાણી, સંજય ગોદાણી અને રાજુ ગોંડલિયાનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ત્રણેય યુવાનોના મૃતદેહ કારમાં ફસાઈ જતાં ફાયર બ્રિગેડની મદદ બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. 


નેશનલ હાઇવે પર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા. વહેલી સવારે સુરતમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગરના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે પર કપુરાઇ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. 


ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતાં જ કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.


વહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાં જ લોકો તેમજ પસાર થતા લોકો દોડી ગયા હતા. આ સાથે પાણીગેટ પોલીસે મોતને ભેટેલા યુવાનાની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજોના આધારે તેમના પરિવારને બનાવની જાણ કરી હતી. પોલીસે બનાવની જાણ કરતાં જ સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં હતાં. બીજી બાજુ પાણીગેટ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.