વલસાડઃ પારડીમાં ચાર માળની બિલ્ડિંગના ટેરેસ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.  શિક્ષક દંપતીની પુત્રીએ બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો છે.  માંદગી થી હતાશ થઈ યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. જોકે, પોલીસે સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. 


પારડીના અરિહંત ટાઉનશીપમાં ટેરેસ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઇ હતી. 202  નંબરના ફ્લેટમાં રહેતા ધર્મેશભાઈ નારણભાઈ પટેલ કોપરલી ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે . જ્યારે તેમના પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે..આ શિક્ષક દંપતીની દીકરી રિદ્ધિ ઘરના સભ્યોને બિલ્ડિંગના ટેરેસ પર ચાલવા જાઉં છું તેમ કહીને નીકળી હતી.


થોડા જ સમયમાં બિલ્ડિંગ નીચેથી બૂમાબૂમનો અવાજ સંભળાતા શિક્ષક દંપતી પણ નીચે ઉતર્યા હતા. જ્યાંનું દ્રશ્ય જોઈ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, આ શિક્ષક દંપતીની દીકરી રિદ્ધિએ બિલ્ડિંગના ટેરેસ પરથી નીચે મોતનો કૂદકો લગાવી દીધો હતો. ટેરેસ પર ચપ્પલ અને ચશ્મા મૂકીને તેને કૂદકો લગાવી દીધો હતો. તાત્કાલિક તેને પારડીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ રિદ્ધિને મૃત જાહેર કરી હતી.


ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલ યુવતી કોઈ બીમારીથી પીડાતી હતી. આ બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોય તેવું મનાઇ રહ્યું છે. જોકે પોલીસે મોતનું સાચું કારણ જાણવાસ તપાસ હાથ ધરી છે.